ટેનિસ સ્ટાર રફેલ નડાલે રશિયાના દાનિલ મેદવેદેવને અહીં રમાયેલી એક આકરી ફાઇનલમાં પાંચ કલાક સુધી સંઘર્ષ કરીને પછાડીને યુએસ ઓપન ટાઇટલ પોતાના નામે કર્યું હતું. નડાલે મેદવેદેવ સામે 7-5, 6-3, 5-7, 4-6, 6-4થી વિજય મેળવીને પોતાની કેરિયરનું 19મું ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીત્યું હતું. વિશ્વના ન ડાલે બીજા ક્રમાંકિત ન ડાલે પાંચમા ક્માકિત મેદવેદેવની સામે વિજય મેળવવા માટે આકરો સંઘર્ષ કરવો પડ્યો હતો.
આ ટાઇટલ જીતવાની સાથે જ નડાલ સ્વિસ ટેનિસ સ્ટાર રોજર ફેડરરના સર્વકાલિન પુરૂષ રેકોર્ડથી માત્ર એક ટ્રોફી દૂર રહ્યો છે. નડાલે આ સિઝનની શરૂઆતમાં પોતાના થાપાની ઇજામાંથી પાછા ફરીને 12મું ફ્રેન્ચ ઓપન ટાઇટલ જીત્યું હતું અને હવે તેણે ચોથુ યુએસ ઓપન ટાઇટલ જીત્યું છે. નડાલ હવે અહીં પાંચ ટાઇટલ જીતનારા ફેડરરની સાથે જ પીટ સામ્પ્રાસ અને જીમી કોનર્સના યૂએસ ઓપન રેકોર્ડથી પણ માત્ર એક ટાઇટલ દૂર છે.
23 વર્ષનો મેદવેદેવ પહેલીવાર ગ્રાન્ડસ્લેમ ફાઇનલમાં પહોંચ્યો હતો અને છેલ્લા 6 અઠવાડિયાથી તેનો જીતનો રેકોર્ડ 20-2નો છે, જે દર્શાવે છે કે તે ઘણું સારું રમી રહ્યો હતો. તે વોશિંગ્ટન અનેં કેનેડામાં રનર્સઅપ રહ્યો હતો જ્યારે સિનસિનાટીમાં ટાઇટલ જીત્યું હતું તો યુએસ ઓપનની ફાઇનલમાં પહોંચ્યો હતો.
દાનિલ મેદનેદેવ મરાત સાફિન પછી કોઇ ગ્રાન્ડસ્લેમ ફાઇનલ રમનારો પહેલો રશિયન ખેલાડી બન્યો છે. મરાત સાફિને 2005માં ઓસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ જીત્યું હતું. તે પછી કોઇ રશિયન ખેલાડી ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટની ફાઇનલ સુધી પહોંચ્યો નથી. સાફિને 2000માં અહીં ટ્રોફી જીતવાની સાથે યુએસ ઓપનની ફાઇનલમાં પહોચંનારો પણ પહેલો રશિયન ખેલાડી બન્યો હતો.