પાકિસ્તાન ટેનિસ ફેડરેશન (પીટીએફ)એ ભારતીય ડેવિસ કપ ટીમ સામે ઇસ્લામાબાદમાં 14-15 સપ્ટેમ્બરે રમાનારી ડેવિસ કપ એશિયા-ઓસિયાના ગ્રુપ-1ના મુકાબલાને તટસ્થ સ્થળે ખસેડવાની સંભાવના નકારી કાઢી હતી. પીટીએફના અધ્યક્ષ સલિમ સૈફુલ્લાહે જણાવ્યું હતું કે ફેડરેશન આ મેચીસની યજમાની ઇસ્લામાબાદ ખેલ પરિસરમાં કરાવવાની તમામ પ્રકારની તૈયારી કરી રહ્યા છીએ. સૈફુલ્લાહે કહ્યું હતું કે અમે આ મેચની યજમાની 14-15 સપ્ટેમ્બરે કરવાના અમારા શરૂઆતના કાર્યક્રમને વળગી રહ્યા છીએ અને મને ભારતીય ટીમ ઇસ્લામાબાદમાં અસુરક્ષિત અનુભવે તેવું કોઇ કારણ જણાતું નથી.
જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 ભારત સરકારે રદ કર્યા પછી બંને દેશ વચ્ચે રાજકીય તંગદીલી વધી છે, તેના કારણે આ મેચીસ પર અનિશ્ચિતતાના વાદળ ઘેરાયા છે. ઓલ ઇન્ડિયા ટેનિસ એસોસિએશને કહ્યું છે કે તેઓ ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન (આઇટીએફ)ને ડેવિસ કપ મેચીસ તટસ્થ સ્થળે યોજવા માટેની માગ કરશે. જો કે સૈફુલ્લાહે કહ્યું હતું કે ભારતીય ટીમ સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે.
તેમણે એવું પણ કહ્યું હતું કે એ ચાર દિવસ માટે ઇસ્લામાબાદમાં રહેશે અને તે સંપૂર્ણપણે સુરક્ષિત શહેર છે. અમે તેમની હોટલ અને આયોજન સ્થળે ઉચ્ચ સ્તરની સુરક્ષા વ્યવસ્થા ગોઠવીશું પછી તેમને શું સમસ્યા છે. જો તેઓ ઇચ્છતા હોય તો અમે આ મેચીસ જોવા માટે દર્શકોને પણ નહીં બોલાવીશું. સૈફુલ્લાહે કહ્યું હતું કે આઇટીએફે આ મેચીસને તટસ્થ સ્થળે ખસેડવા અંગે હજુ સુધી અમારો કોઇ સંપર્ક કર્યો નથી.