ગાંધીનગર ખાતે ભાજપ કાર્યાલય કમલમ ખાતે આપ આદમી પાર્ટીના કાર્યકરોએ પેપર લીકકાંડ અંગે ઘેરાવો કર્યો હતો અને ત્યાર બાદ ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ ઝપાઝપીમાં પોલીસે બળપ્રયોગ કર્યો હતો અને બધાની ટીંગાટોળી કરી હતી. ભાજપે ફરિયાદ કરી છે કે આપના કાર્યકરોએ ભાજપની મહિલા કાર્યકરોની છેડતી કરી છે અને આપના નેતા નશા કરેલી હાલતમાં આવ્યા હતા.આપ દ્વારા આ આક્ષેપોને નકારી કાઢવામાં આવ્યા છે.
ભાજપ મહિલા મોરચાના શ્રદ્ધા રાજપુતે પોલીસમાં ફરીયાદ આપતા કહ્યું કે, આપ નેતાઓ નશાની હાલતમાં હતા. આ નેતાએ મહિલા સાથે ગેરવ્યવહાર કર્યો હતો. મહિલા નેતાની અરજી પર પોલીસે વધારે તપાસ હાથ ધરી છે. પેપરલીક કાંડ મામલે વિરોધ કરવા કમલમ પર આપના નેતા ગોપાલ ઇટાલિયા, ઇસુદાન ગઢવી અને પ્રવિણ રામ સહિત કાર્યકરો પહોંચ્યા હતા.
મહત્વનું છે કે, કમલમમાં આપ નેતાઓએ ભાજપ વિરોધી સુત્રોચ્ચાર કર્યા હતા. તો ભાજપનાં કાર્યકરો પણ મોટા પ્રમાણમાં ઉમટી પડતા ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. ઝપાઝપી અને બોલાચાલી થઇ હતી. જેના કારણે બંન્ને કાર્યકરો વચ્ચે વધી રહેલું ઘર્ષણ જોઇને પોલીસને બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી.
આપ નેતા ઇસુદાન ગઢવીનો પ્રાથમિક રિપોર્ટ નોર્મલ આવ્યા છે. જોકે બ્લડ રિપોર્ટ હજુ આવવાનો બાકી છે. બ્લડ સેમ્પલ એફએસએલને તપાસ માટે મોકલવામા આવ્યો છે. ભાજપ દ્વારા મૂકવામાં આવેલા આક્ષેપોને આમ આદમી પાર્ટીના પ્રવક્તા યોગેશ જાદવાણીએ નકારી કાઢ્યા છે.