ભારતના એચએસ પ્રણોયે બીડબલ્યુએફ બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપ-2019માં પોતાની બીજી મેચમાં મંગળવારે બે વારના ઓલિમ્પિક્સ ચેમ્પિયન લિન ડેનને હરાવીને પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું નામ દાખલ કરી લીધું હતું. વર્લ્ડ રેન્કિંગમાં 30માં ક્રમના પ્રણોયે વર્લ્ડ નંબર 17 અને 5 વારના વર્લ્ડ ચેમ્પિયન ડેનને 21-11, 13-21, 21-7થી હરાવ્યો હતો. પ્રણોયે આ મેચ જીતવા માટે એક કલાક અને બે મિનીટનો સમય લીધો હતો.
આ વિજયની સાથે જ પ્રણોયે 5 વારના વર્લ્ડ ચેમ્પિયન ડેન સામે પોતાની કેરિયરનો રેકોર્ડ 3-2 કરી લીધો હતો. તેણે મેચમાં જોરદાર શરૂઆત કરીને પહેલી ગેમમાં પોતાની મજબૂત પકડ જમાવી લીધી હતી. પહેલા 8-3 પછી 12-5 અને 16-9ની સરસાઇ મેળવીને તેણે અંતે એ ગેમ 21-11થી જીતી હતી. ડેને બીજી ગેમમાં વાપસી કરીને 21-13થી એ ગેમ જીતી હતી, જો કે ત્રીજી નિર્ણાયક ગેમમાં પ્રણોયે પહેલાથી જ પ્રભુત્વ જમાવીને એ ગેમ 21-7થી જીતવા સાથે મેચ જીતી લીધી હતી.