ગાંધીનગર – ગુજરાતમાં લોકડાઉન 4.0 ને હળવું કરવાનો પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે પરંતુ તેનો અમલ દિલ્હીમાં બતાવ્યા વિના થઇ શકશે નહીં. અમે આવું કરવા માગીએ છીએ.. એવું દર્શાવીને દિલ્હીની મંજૂરી મેળવવામાં આવશે.રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસસ્થાને મળેલી એક ઉચ્ચસ્તરીય બેઠકમાં લોકડાઉન હળવું કરવા બાબતે ચર્ચા થઇ હતી.
આ ચર્ચામાં જિલ્લા કલેક્ટરો તેમજ જિલ્લા વહીવટી તંત્રના અભિપ્રાય લેવામાં આવ્યા છે. ગુજરાતમાં ક્યા ક્યા ઉદ્યોગો અને દુકાનોને છૂટ આપવામાં આવશે અને ક્યા ક્યા ઉદ્યોગ-ધંધા હજી બંધ રાખવાના થાય છે તેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યોના મુખ્યમંત્રી સાથે જ્યારે ચર્ચા કરી હતી ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકડાઉન ધીમે ધીમે ખોલવા અંગેનો અભિપ્રાય આપ્યો હતો, જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તો કહ્યું છે કે આપણે ક્યાં સુધી કોરોના…કોરોના… કરીશું.
ઘરમાં રહીશું તો વિકાસ નહીં થાય. કામ પર નિકળવું પડશે. આ બન્ને રાજકીય નેતાઓના મંતવ્ય બાદ ગુજરાતમાં ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં લોકડાઉન હળવું કરવાનો પ્લાન બનાવવામાં આવ્યો છે.આ વખતે રેડ ઝોન અને કન્ટેન્મેન્ટ વિસ્તારોને પણ કલાકોના હિસાબે થોડી છૂટછાટ આપવામાં આવે તેવી સંભાવના છે. જો કે આ બન્ને ઝોનમાં રાત્રી લોકડાઉન આવી શકે છે. આ બેઠકમાં હજી સ્કૂલો અને કોલેજો સહિતના શૈક્ષણિક સત્ર અંગે કોઇ ચર્ચા થઇ નથી.
એટલું જ નહીં હોટલો અને રેસ્ટોરન્ટ કે મંદિરો ખોલવા બાબતે પણ કોઇ સ્પષ્ટ ચિત્ર જોવા મળતું નથી.સરકાર હળવા લોકડાઉનની જાહેરાત કરે તે પહેલાં સમગ્ર પ્લાન પીએમઓમાં મોકલવામાં આવશે, ત્યારબાદ તેમાં જે સુધારા થાય તેના આધારે જાહેરાત કરાશે તેવું લાગી રહ્યું છે.