ગાંધીનગર – કોરોના સંક્રમણ અને લોકડાઉનના સમયમાં સૌથી વધુ જો માર પડ્યો હોય તો તે માઇક્રો ફાયનાન્સની કંપનીઓને છે, કારણ કે નાના વેપારીઓ અને વ્યક્તિગત ધંધાર્થીઓએ લોન લેવા માટે આ કંપનીઓને એપ્રોચ કરવાનું ઓછું કરી દીધું છે, કારણ કે લોકો પાસે ઉંચા વ્યાજ ભરવાના વિકલ્પો નથી. દેશભરની 12થી વધુ કંપનીઓ કે જે ગુજરાતમાં પણ બ્રાન્ચ ધરાવે છે તેમની પડતી શરૂ થઇ છે.
માઇક્રો ફાયનાન્સ સેક્ટરમાં કોન્સોલિડેશનની પ્રક્રિયા શરૂ થઇ છે. આ કંપનીઓએ તેમનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે મર્જરનો વિકલ્પ પસંદ કર્યો છે. 200 કરોડથી ઓછી રકમનું લોનનું લેણું ધરાવતી કંપનીઓએ રસ ધરાવતી એન્ટીટીને બિઝનેસના વેચાણ અથવા મર્જર માટે સંપર્ક કર્યો છે. ગુજરાતમાં માઇક્રો ફાયનાન્સ કરતી એક કંપનીના એક્ઝિક્યુટીવે કહ્યું હતું કે કોરોનાના કારણે અમારી કંપનીઓની બિઝનેસ સાયકલ ખોરવાઇ ચૂકી છે.
માઇક્રો ફાયનાન્સ ઇન્ડસ્ટ્રીના એસોસિયેશનના કહેવા પ્રમાણે નફાનું ઉંચું પ્રમાણ ન ધરાવતી 25 એન્ટીટીને અલગ તારવવામાં આવી છે. આ કંપનીઓની સ્થિતિ કોરોના સંક્રમણ પહેલાં પણ ખરાબ હતી. ભારતીય રીઝર્વ બેન્કે લોન રિપેમેન્ટનું મોરેટોરિયમ 30 ઓગષ્ટ સુધી લંબાવ્યા પથી આ કંપનીઓને લોનના હપ્તા મળવાના બંધ થયાં છે તેથી કંપનીઓની સ્થિતિ ખરાબ થઇ છે.
આવી નાની નાની કંપનીઓને મર્જર કરવા માટે કન્સલ્ટન્ટની નિયુક્તિ કરવાનું એસોસિયેશન વિચારી રહ્યું છે. એવી 96 કંપનીઓ છે કે જેમનું બાકી લેણું 200 કરોડ રૂપિયા કરતાં ઓછું છે. આ કંપનીનો કુલ લોન પોર્ટફોલિયો 5000 કરોડ રૂપિયાનો છે અને તેના લોનધારકોમાં મુખ્યત્વે 25 લાખ મહિલાઓ છે. આ કંપનીઓએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમનને પત્ર લખી કોન્સોલિડેશનની યોજના ધરાવતી માઇક્રો ફાયનાન્સ સંસ્થાઓ માટે 1000 કરોડ રૂપિયાની માગણી પણ કરી છે.