હિંદુ કેલેન્ડ પ્રમાણે સુદ પક્ષની ચોથને વિનાયક ચોથ કહેવામાં આવે છે. જે દર મહિનામાં સુદ પક્ષના ચોથા દિવસે આવે છે. આ વખતે તે 28 માર્ચ, શનિવાર એટલે આજે છે. વિનાયક ચોથના દિવસે શ્રદ્ધાળુઓ પોતાના ખરાબ સમય અને જીવનની મુશ્કેલીઓને દૂર કરવા માટે ભગવાન ગણેશજીની પૂજા કરે છે. તેમાં ચૈત્ર મહિનાની ચોથ તિથિ ખાસ માનવામાં આવે છે. આ તિથિને સૌથી શુભ માનવામાં આવે છે. આ દિવસે લોકો સૂર્યોદયથી લઇને ચંદ્રોદય સુધી વ્રત કરે છે. સાંજે ગણેશજીના વરદ વિનાયક રૂપની પૂજા કર્યા બાદ વ્રત ખોલે છે.
વિનાયક ચોથને વરદ વિનાયક ચોથના નામથી પણ ઓળખવામાં આવે છે. ભગવાન પાસે પોતાની કોઇપણ મનોકામના પૂર્ણ કરવાના આશીર્વાદને વરદ કહેવામાં આવે છે. જે શ્રદ્ધાળુ વિનાયક ચોથના ઉપવાસ કરે છે ભગવાન ગણેશ તેમને જ્ઞાન અને ધૈર્યના આશીર્વાદ આપે છે. જ્ઞાન અને ધૈર્ય બે એવા નૈતિક ગુણ છે જેનું મહત્ત્વ વર્ષોથી મનુષ્યો જાણે છે. જે મનુષ્ય પાસે આ ગુણ છે તેઓ જીવનમાં ખૂબ જ ઉન્નતિ કરે છે અને મનોવાંછિત ફળ પ્રાપ્ત કરે છે.