ગાંધીનગર – દેશના અર્થતંત્રને ધબકતું રાખવાનો એકમાત્ર ઉપાય કોણ છે તે શોધીને સરકારે તેને મદદ કરવી જોઇએ પરંતુ ઉપાય જ્યાં છે તે બઘાં મરણપથારીએ પડ્યાં છે. હકીકતમાં નાના વેપારીઓ જ દેશની ઇકોનોમી ફરીથી દોડાવી શકે છે પરંતુ તેમની સામે કોઇ જોતું નથી. 54 દિવસના લોકડાઉનમાં બઘી પૂંજી ખતમ થઇ છે. વેપાર શરૂ કરવાના હોંશ રહ્યાં નથી. આ સંજોગોમાં સરકારે રાજ્યની સહકારી બેન્કો અને ક્રેડિટ સોસાયટી પર વોચ રાખવાની જરૂર છે.
રાજ્યના નાણા વિભાગના એક અધિકારીએ તો કહ્યું હતું કે ઉદ્યોગો શરૂ કરવામાં આવ્યા છે અને ઉત્પાદન પણ શરૂ થયું છે પરંતુ ઉત્પાદિત થયેલી ચીજવસ્તુઓના ગ્રાહકો નહીં હોય તો તે ઉત્પાદનનો કોઇ અર્થ નથી. ડિમાન્ડ વધારવા માટે બજારોને ધીમે ધીમે સલામતી સાથે ખોલવા જોઇએ કે જેથી લોકોની ખરીદશક્તિ વધી શકે. લોકડાઉનના 54 દિવસમાં એકેય કાર કે વાહન વેચાયું નથી તો નવા પ્રોડક્શનનો કોઇ અર્થ રહેતો નથી. સરકારે શરૂ કરેલા એક લાખ રૂપિયાની ઓછા વ્યાજની લોન નાના વેપારીઓને મળે તે જરૂરી છે.
Atmanirbhar Gujarat Sahay Yojana – Gujarat Govt's helping hand in the form of Rs.5000-crore package for the small businessmen, skilled workers, autorickshaw owners, electricians, among others whose economic activities have been disrupted due to the prevailing COVID-19 lockdown. pic.twitter.com/4qOFCylkSw
— CMO Gujarat (@CMOGuj) May 15, 2020
સરકારે લોન માટેના ફોર્મની ચકાસણી કરવાની પણ જરૂર રહેશે. નાના વેપારીઓના સંગઠન ગુજરાત ટ્રેડર્સ એસોસિયેશનના જયેન્દ્ર તન્ના કહે છે કે, “આત્મનિર્ભર સ્કીમ માટે રાજ્ય સરકાર અને ખાસ કરીને સહકારી બેંકિંગ માળખાએ નાના વેપારીઓની પડખે રહેવા તૈયારી દાખવી છે જે આવકારદાયક છે. નાના ગામ કે શહેરમાં દુકાન ધરાવતા નાના વેપારીઓ માટે આ રકમ બિઝનેસને વેગ આપવામાં મહત્ત્વની બની રહેશે. આ યોજના નાના વેપારીઓને બેઠા થવામાં મદદરૂપ બનશે. જો કે સહકારી બેન્કો અને ક્રેડિટ સોસાયટીઓ લોનના ફોર્મમાં ક્વેરી ન કાઢે તો સરકાર ઇચ્છે છે તેમને લોન મળી રહેશે. આ લોનમાં અનેક ભયસ્થાનો છે.
દેશ અને ગુજરાતમાં હજી 14 દિવસનું લોકડાઉન લંબાયું છે પરંતુ કેટલીક છૂટછાટના કારણે વેપારીઓ તેમનો વ્યવસાય શરૂ કરી શકશે. 54 દિવસમાં જે ગુમાવ્યું છે તે એક લાખ રૂપિયા સુધીની લોન લઇને પાછું મેળવી શકાશે. રાજ્ય સરકારની એક લાખ રૂપિયાની લોન હકીકતમાં જરૂરતમંદોને મળશે તો તેઓ તેમનો વ્યવસાય ફરી ચાલુ કરી શકશે, પરંતુ જો બેન્કોના મળતિયાઓ લોન લઇ જશે તો નાના વેપારીઓ બિચારા ઠેરના ઠેર રહેશે અને સરકારનો લોન આપવાનો ઉદ્દેશ સફળ થશે નહીં, કારણ કે સહકારી ફાયનાન્સ સંસ્થાઓમાં ડિકેક્ટરોના સગાવહાલાં જ સ્ટાફર તરીકે નિયુક્ત થયેલા હોય છે.