ગાંધીનગર — ગુજરાતની એક કહેવત છે કે- ઘરડાં ગાડાં વાળે—એટલે કે જેટલા અનુભવી લોકો હોય તેટલો પ્રગતિનો માર્ગ આસાન થઇ જાય છે. ગુજરાતમાં જ્યારે રાષ્ટ્રીય જનતા પાર્ટીની સરકાર હતી ત્યારે શંકરસિંહ વાધેલાએ તેમની સરકારમાં અનુભવી નિષ્ણાંતોને સરકારના સલાહકાર બનાવ્યા હતા.
બાપુની સરકારમાં શિક્ષણમાં, ઉદ્યોગમાં પાણીના સ્ત્રોતમાં તેમજ રાજકીય સલાહકાર નિયુક્ત થયેલા હતા. બાપુ કોઇપણ નવો નિર્ણય કરતા ત્યારે તે પહેલાં ગુજરાતના અનુભવસિદ્ધ નિષ્ણાંતોને તેમના બંગલે અથવા ઓફિસમાં આમંત્રણ આપીને બોલાવતા હતા અને તેમની સાથે ચર્ચા કરતા હતા. તમામના સૂચનો લઇને સરકાર તમામની દરખાસ્તને આખરી કરતી હતી.
શંકરસિંહ વાઘેલાએ કહ્યું છે કે ગુજરાતમાં ભલે શરાબબંધી હોય પરંતુ એક કહેવત છે કે શરાબ જેટલી જૂની તેટલી આરોગ્ય માટે સારી ગણાય છે. ઇંગ્લેન્ડ અને બીજા દેશોમાં શરાબ વર્ષો જૂની હોય તો તે હેલ્થ માટે સારી ગણવામાં આવે છે. તેની કિંમત પણ ખૂબ ઉંચી હોય છે. શરાબના શોખિનોને તેનો ખ્યાલ હોય છે.બાપુ કહે છે કે આપણે પારદર્શક છીએ. હું કંઇ છૂપાવતો નથી. જે કહું છું તે જાહેરમાં કહું છું. બીજા નેતાઓની જેમ કુલડીમાં ગોળ ભાંગતો નથી. વિશ્વના દેશો જે માને છે તે આપણે પણ માનવું પડે છે. ઇંગ્લેન્ડમાં તો શરાબને બનાવીને જમીનમાં ઉંડે ડાટી દેવામાં આવે છે. આ ડાટેલી શરાબ જેણે ડાટી છે તેના માટે ઉપલબ્ધ હોતી નથી પરંતુ તેના બીજા વારસદારોને કામ લાગે છે. એટલે કે 100 વર્ષ જૂની શરાબનું સેવન આરોગ્ય માટે ઉત્તમ હોય છે.
બાપુ બીજું ઉદાહરણ ડોક્ટરનું આપે છે. તેઓ કહે છે કે આપણા પરિવારમાં પહેલાં આપણો પારિવારિક ડોક્ટર આપણા હેલ્થની કાળજી લેતો હોય છે. ભલે તે માસ્ટર ઓફ સર્જન ન હોય, સામાન્ય એમબીબીએસ થયેલો ડોક્ટર પણ સર્જનને શરમાવે તેવું કામ કરતો હોય છે. તેનું રિઝલ્ટ એટલું ચોટદાર હોય છે કે મોટી મોટી હોસ્પિટલો પણ તેના જેવું કામ કામ કરી શકતા નથી.
આપણા પરિવારમાં પિતાએ જે ફેમિલી ડોક્ટર રાખ્યો હોય છે તેને તેના બીજા વારસદારોએ ફોલો કર્યા છે. પરિવારમાં ડોક્ટર બદલાતા નથી. દર્દની કોઇ સારવાર કરવાની હોય તો આપણે સિનિયર મોસ્ટ ડોક્ટરને બોલાવતા હોઇએ છીએ, કેમ કે તેની પાસે અનુભવ સારો હોય છે. વર્ષોથી પ્રેક્ટિસ કરી હોય તેવા ડોક્ટર પાસે જવાનું આપણે મુનાસિબ માનીએ છીએ. દાખલા તરીકે આંખના મોતિયાનું ઓપરેશન કરવું હોય તો આપણે સિનિયર મોસ્ટ અને જેણે હજારો ઓપરેશન કર્યા છે તેવા આઇ સર્જન પાસે જઇએ છીએ.કહેવાનો મતલબ એ છે કે ડોક્ટર જેટલા જૂના તેટલા સારા. પરિવારમાં ભાગ્યેજ ડોક્ટર બદલાય છે. લોકો સારવાર માટે અતિ અનુભવી ડોક્ટર પાસે જવાનું પસંદ કરતા હોય છે, કારણ કે તેમને તેમનામાં વિશ્વાસ હોય છે. દર્દીને વિશ્વાસ હોય છે કે તેનો વર્ષો જૂનો ડોક્ટર જે દવા આપશે કે જે સારવાર કરશે તે તેના માટે ઉત્તમ હશે. દર્દી ઝડપથી સાજો થઇ જાય છે. આ ડોક્ટર સાથે લાગણીના સબંધો જોડાયેલા હોય છે. દર્દી અને ડોક્ટરમાં પ્રોફેશનલ રિલેશન આવે છે ત્યારે લોકોનો વિશ્વાસ તૂટી જાય છે અને ખિસ્સા ખાલી કરવા સિવાય કોઇ વિકલ્પ રહેતો નથી.
બાપુએ ત્રીજું ઉદાહરણ નેતાનું આપ્યું છે. નેતામાં જેટલો જૂનો નેતા એટલો સારો, કારણ કે જૂના નેતાના સબંધો ગાઢ બનેલા હોય છે. જનતાની વેદનાને તે સમજે છે અને યોગ્યરીતે તેનો ઉકેલ લાવી આપે છે. આજે ગુજરાતમાં સિનિયર મોસ્ટ નેતાઓ ઉપલબ્ધ છે પરંતુ કોંગ્રેસ અને ભાજપના નેતાઓ તેમને ખૂણામાં બેસાડી રાખે છે, ભાજપના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ વર્ષો જૂના અને સિનિયર મોસ્ટ નેતા છે. તેઓ એવા લિડર છે કે જેમને આખું રાજ્ય ઓળખે છે. તેમની પાસે અનુભવનું ભાથું છે.શાસનના આટલા વર્ષોમાં તેમને સરકાર કેવી રીતે ચલાવવી તે આવડે છે. જ્યાં ખોટું થતું હોય તો તેઓ તેને પળવારમાં પકડી શકે છે. કેશુભાઇની કોઠાસૂઝને આજે પણ સલામ કરવાની ઇચ્છા થાય છે, કારણ કે તેમની પાસે સરકાર ચલાવવાના જે આઇડિયા છે તે ગુજરાતના ખૂબ ઓછા નેતાઓમાં છે. અધિકારીઓને તેઓ કહી શકતા હતા કે તમે આ ખોટું કરી રહ્યાં છો. તેઓ જ્યારે અધિકારીને સમજાવે ત્યારે અધિકારીને પણ ખોટું કર્યાનો અહેસાસ થતો હતો. બાપુના મતે રાજનીતિમાં ક્યારેય કોઇ વ્યક્તિ ઘરડો થતો નથી.