ગાંધીનગર – ત્રણ ત્રણ વખત લોકડાઉનથી દેશ અને રાજ્યોના લોકો કંટાળી ગયા છે. કોરોના સાથે કેવી રીતે જીવવાનું છે તેવી ગાઇડલાઇન સાથે લોકડાઉન ચોથી વાર આવી રહ્યું છે. પહેલું લોકડાઉન 21 દિવસનું હતું. બીજું લોકડાઉન 19 દિવસનું હતું અને ત્રીજું જે અત્યારે ચાલી રહ્યું છે તે 14 દિવસનું છે. 17મી મે એ જ્યારે ત્રીજું લોકડાઉન પૂર્ણ થશે ત્યારે લોકો 54 દિવસથી ઘરમાં રહ્યાં હશે.
ગુજરાતના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર એવું વિચારી રહી છે કે જે રાજ્યોમાં કોરોના પોઝિટીવના આંકડા વધતા હોય તેવા રાજ્યો તેમની રીતે લોકડાઉનનો સમય લંબાવી શકે છે. ભારત અને ગુજરાતમાં કોરોનાનો કહેર ચાલુ છે ત્યારે એઇમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ અતિ ગંભીર ઘટસ્ફોટ કર્યો છે.
જો તેમનું આ બયાન સાચું પડ્યું તો ભારત અને ગુજરાતમાં કોરોનાના કેસો જૂન, જુલાઇ અને ઓગષ્ટ મહિનામાં પણ જોવા મળી શકે છે. તકેદારી નહીં રાખવામાં આવે તો આ કેસોની સંખ્યા ઘણી મોટી હશે. આ અધિકારીએ કહ્યું છે કે ગુજરાતમાં પણ 31મી મે સુધીમાં પોઝિટીવ કેસોની સંખ્યા 15000ના આંકડાને વટાવી શકે છે.
ગુલેરિયાના બયાન સાથે સહમત થતાં રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો. જ્યંતિ રવિ કહે છે કે ભારતની જેમ ગુજરાતમાં પણ લોકડાઉનથી ખૂબ મોટો ફાયદો મળ્યો છે. આ પગલાંથી કેસો જેટલા ઝડપથી વધવા જોઇતા હતા તે વધ્યાં નથી. લોકોએ સંયમ રાખીને સરકારને સહકાર આપ્યો છે.
તેમનું કહેવું છે કે કોરોના પોઝિટીવ કેસની સંખ્યામાં જૂન અને જુલાઇ મહિનો એવો છે કે જેમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા પીક પર હશે એટલે કે ખૂબ ઝડપથી વધશે. જો લોકો સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં કરે અને માસ્ક નહીં પહેરે તો કોરોના પોઝિટીવ કેસનો વિસ્ફોટ સર્જાઇ શકે છે.
જો કે તેમણે કહ્યું કે જૂન અને જુલાઇ મહિના પછી કોરોના પોઝિટીવ કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળશે. સરકારે કોવિડ સેન્ટરોમાં ટેસ્ટીંગની સંખ્યા વધારવી પડશે અને હોટસ્પોટ વિસ્તારોમાં સંપૂર્ણ લોકડાઉનનો અમલ કરવાનો રહેશે.
ગુલેરિયાની જેમ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ માને છે કે કોરોના સામેની લડાઇ લાંબી ચાલશે. લોકોની લાઇફ સ્ટાઇલમાં બદલાવ લાવવો પડશે. શોપિંગ મોલ્સ, મૂવી થિયેટરમાં જવા માટે નવા નિયમો લાગુ કરવા પડશે. લોકોએ જાતે જ સાવધાનીના પગલાં લેવા પડશે.