9 મેના રોજ વૈશાખ મહિનાના વદ પક્ષની બીજ તિથિ રહેશે. આ દિવસે દેવર્ષિ નારદ જયંતી ઉજવવામાં આવે છે. ભગવાન વિષ્ણુના પરમ ભક્ત નારદ બ્રહ્માજીના પુત્ર છે. તેમણે ભગવાન વિષ્ણુની ભક્તિ અને તપસ્યા કરી હતી. નારદજી ઉપર દેવી સરસ્વતીની પણ કૃપા હતી. જેમની પાસેથી તેમણે દરેક પ્રકારની વિદ્યાઓમાં મહારથ હાંસલ કરી હતી. મહાભારતના સભા પર્વના પાંચમા અધ્યાયમાં નારદજીના વ્યક્તિત્વ વિશે ઉલ્લેખવામાં આવ્યું છે.
જેના પ્રમાણે દેવર્ષિ નારદ વેદ અને ઉપનિષદોના રહસ્યના જાણનાર, દેવતાઓના પૂજ્ય, ઇતિહાસ અને પુરાણોના નિષ્ણાત, જ્યોતિષના વિદ્વાન અને સર્વત્ર ગતિ ધરાવનાર છે. તેઓ દરેક લોકમાં પ્રવેશ કરી શકે છે. માટે જ તેમને દેવતાઓના ઋષિ એટલે દેવર્ષિનું પદ મળ્યું છે. 18 મહાપુરાણોમાં દેવર્ષિ નારદના નામથી એક પુરાણ છે. જેને બ્રહન્નારદીય પુરાણ કહેવામાં આવે છે. ધર્મ ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવેલી મોટી ઘટનાઓમાં દેવર્ષિ નારદનું ખૂબ જ મહત્ત્વ છે. એકવાર નારદજીએ કામદેવ ઉપર વિજય પ્રાપ્ત કરીને ગર્વ અનુભવ્યું હતું.
તેમના ગર્વને તોડવા માટે ભગવાન વિષ્ણુએ પોતાની માયાથી સુંદર નગર બનાવ્યું. જ્યાં રાજકુમારીનો સ્વયંવર થઇ રહ્યો હતો. નારદજી ત્યાં ગયા અને રાજકુમારી ઉપર મોહિત થઇ ગયાં. નારદજી, ભગવાન વિષ્ણુનું સુંદર સ્વરૂપ ધારણ કરીને તે રાજકુમારીના સ્વયંવરમાં પહોંચ્યાં. પરંતુ ત્યાં પહોંચતા જ તેમનું મુખ વાનર જેવું થઇ ગયું. જેથી રાજકુમારીને ખૂબ જ ગુસ્સો આવ્યો.
તે સમયે ભગવાન વિષ્ણુ રાજા સ્વરૂપમાં આવ્યાં અને રાજકુમારીને લઇને જતાં રહ્યાં. નારદજીને જ્યારે સંપૂર્ણ વાત જાણવા મળી ત્યારે તેમણે ગુસ્સે થઇને ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો કે, જે પ્રકારે આજે હું સ્ત્રી માટે વ્યાકુળ થઇ રહ્યો છું, તે પ્રકારે મનુષ્ય જન્મ લઇને તમારે પણ સ્ત્રીના વિયોગમાં રહેવું પડશે. માયાના પ્રભાવ દૂર થયો ત્યાર બાદ નારદજીને ખૂબ જ દુઃખ થયું. ત્યારે ભગવાને તેમને સમજાવ્યું કે, આ બધું જ માયાનો પ્રભાવ હતો, તેમાં તમારો કોઇ દોષ નથી. નારદજીના પ્રભાવથી જ ભગવાન વિષ્ણુનો શ્રીરામ અવતાર થયો.