ગાંધીનગર—ગુજરાતમાં માસ્ક અને સેનેટાઇઝર ફરજીયાત બનાવવામાં આવે તેવી સંભાવના છે. હાલ મુંબઇ અને દિલ્હીમાં માસ્ક વિના બહાર ફરતા લોકો સામે પોલીસ સખ્તાઇથી પગલાં લઇ રહી છે તેવી રીતે ગુજરાતના ચાર મુખ્ય શહેરો—અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર અને રાજકોટમાં માસ્ક પહેરવા ફરજીયાત બની શકે છે.
રાજ્ય આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો. જ્યંતિ રવિ મિડીયા બ્રિફીંગ વખતે વારંવાર એવું કહે છે કે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા લોકોએ ગરમ પાણી અને ગોલ્ડન મિલ્ક પીવું જોઇએ. તેઓ એમ પણ કહે છે કે બહાર નિકળતી વખતે માસ્ક પહેરવું પણ આવશ્યક છે. આરોગ્યના અધિકારીઓ માને છે કે કોરોના વાયરસના સંક્રમિત કેસોને કાબૂમાં લેવા માટે કરિયાણું, દૂધ કે શાકભાજીની ખરીદી કરવા નિકળતા લોકોએ ફરજીયાત માસ્ક પહેરવું જોઇએ.
રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા કહે છે કે મેડીકલ સ્ટોરમાં મળતા માસ્કની કિંમત પણ સરકારે નિયત કરી છે તેમ છતાં ઘરમાં કોટન કપડામાંથી બનાવેલો માસ્ક ઉત્તમ હોય છે. લોકોએ ઘરમાં બનાવેલા માસ્કનો ઉપયોગ કરવો વધુ હિતાવહ છે. આ માસ્ક એકવાર પહેર્યા પછી સાબુ કે ડિટરજન્ટના પાણીથી ધોઇ નાંખવો પણ જરૂરી છે. ગુજરાત પોલીસે પણ તેના સોશ્યલ મિડીયામાં ઘરના બનાવેલા માસ્ક પર વધારે ભાર મૂક્યો છે.
ગુજરાતમાં મહિલાઓની બનેલી સામાજીક સંસ્થાઓએ મોટી માત્રમાં માસ્કનું ઉત્પાદન શરૂ કર્યું છે. રાજ્ય આરોગ્ય વિભાગના અધિકારીએ કહ્યું હતું કે ગુજરાતના શહેરી વિસ્તારમાં 50 લાખ માસ્કની આવશ્યતા છે. આટલી મોટી સંખ્યામાં કોઇ કંપની માસ્ક બનાવી ન શકે તો પણ લોકોએ ઘરમાં માસ્ક બનાવીને તેનો ઉપયોગ કરવો જોઇએ. આ સાથે ખિસ્સામાં સેનેટાઇઝર હોવું જરૂરી છે કે જેથી વાયરસના સંક્રમણ સામે રક્ષણ મળે છે.