21 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ છે. દર વર્ષે મહા વદ તેરસ તિથિએ શિવપૂજાનો મહાપર્વ શિવરાત્રિ ઉજવવામાં આવે છે. જ્યારે સૂર્ય કુંભ રાશિ અને ચંદ્ર મકર રાશિમાં હોય છે, ત્યારે મહા મહિનાના વદ પક્ષની તેરસ તિથિએ આ પર્વ ઉજવવામાં આવે છે. 21 ફેબ્રુઆરીએ સાંજે 5.36 વાગ્યા સુધી બારસ તિથિ રહેશે, ત્યાર બાદ તેરસ તિથિ શરૂ થઇ જશે. આ વર્ષે શિવરાત્રિ 117 વર્ષ બાદ શનિ, ગુરૂ અને શુક્રનો દુર્લભ યોગ બની રહ્યો છે. આ વર્ષે શિવરાત્રિ ઉપર શનિ પોતાની જ રાશિ મકરમાં અને શુક્ર ગ્રહ તેની ઉચ્ચ રાશિ મીનમાં રહેશે, આ એક દુર્લભ યોગ છે. જ્યારે આ બંને મોટા ગ્રહ શિવરાત્રિના દિવસે આ સ્થિતિમાં રહેશે. 2020 પહેલાં 25 ફેબ્રુઆરી 1903એ ઠીક આવો જ યોગ બન્યો હતો. આ વર્ષે ગુરૂ પણ પોતાની સ્વરાશિ ધનમાં સ્થિત છે. આ યોગમાં શિવપૂજા કરવાથી શનિ, ગુરૂ, શુક્રના દોષમાંથી પણ મુક્તિ મળી શકે છે. 21 ફેબ્રુઆરીએ સર્વાર્થ સિદ્ધિ યોગ પણ રહેશે. પૂજા માટે અને નવા કાર્યોની શરૂઆત કરવા માટે આ યોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ વર્ષે શનિએ 24 જાન્યુઆરીએ મકર રાશિમાં પ્રવેશ કર્યો છે. શિવરાત્રિએ શનિ સાથે ચંદ્ર પણ રહેશે. શનિ-ચંદ્રની યુતિના કારણે વિષ યોગ બની રહ્યો છે. આ વર્ષ પહેલાં લગભગ 28 વર્ષ પહેલાં 2 માર્ચ 1992ના રોજ શિવરાત્રિએ વિષ યોગ બન્યો હતો. આ યોગમાં શનિ અને ચંદ્ર માટે વિશેષ પૂજા કરવી જોઇએ. શિવરાત્રિએ આ યોગ બનવાથી આ દિવસે શિવપૂજાનું મહત્ત્વ અનેકગણું વધી ગયું છે.