હિંદુ કેલેન્ડર પ્રમાણે અષાઢ મહિનાના સુદપક્ષની એકાદશીને દેવશયની એકાદશી કહેવામાં આવે છે. પુરાણો પ્રમાણે આ 4 મહિનામાં ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં રહે છે. ત્યાર બાદ કારતક મહિનાના સુદપક્ષની એકાદશીએ ભગવાન વિષ્ણુની યોગ નિદ્રા પૂર્ણ થાય છે. આ એકાદશીને દેવઉઠની એકાદશી કહેવામાં આવે છે. આજે દિવસથી ચાતુર્માસ પણ શરૂ થઇ જાય છે. આ વખતે આસો મહિનામાં અધિકમાસ પણ છે. એટલે હવે 5 મહિના સુધી માંગલિક કાર્યો થઇ શકશે નહીં. ચાતુર્માસ દરમિયાન પૂજાપાઠ, કથા, અનુષ્ઠાનથી પોઝિટિવ ઊર્જા મળે છે. ચાતુર્માસમાં ભજન, કીર્તન, સત્સંગ, કથા, ભાગવત માટે સૌથી સારો સમય માનવામાં આવે છે.
શાસ્ત્રો પ્રમાણે ચાર મહિના માટે 16 સંસ્કાર બંધ રહે છે. જોકે, પૂજન, અનુષ્ઠાન, સમારકામ કરાવવેલ ઘરમાં પ્રવેશ, વાહન અને ઘરેણા ખરીદી જેવા કામ કરી શકાય છે. આ એકાદશીને સૌભાગ્યદાયિની એકાદશી કહેવામાં આવે છે. પદ્મ પુરાણ પ્રમાણે આ દિવસે વ્રત અથવા ઉપવાસ રાખવાથી જાણ્યા-અજાણ્યા કરેલાં પાપ દૂર થઇ શકે છે. ભાગવત મહાપુરાણ પ્રમાણે અષાઢ મહિનાના સુદ પક્ષની એકાદશી તિથિએ શંખાસુર રાક્ષસ મૃત્યુ પામ્યો હતો. તે દિવસથી ભગવાન ચાર મહિના સુધી ક્ષીર સાગરમાં સૂવે છે. ગ્રંથો પ્રમાણે પાતાળ લોકના અધિપતિ રાજા બલિએ ભગવાન વિષ્ણુને પાતાળમાં સ્થિત પોતાના મહેલમાં રહેવાનું વરદાન માંગ્યુ હતું. એટલે એવું માનવામાં આવે છે કે, દેવશયની એકાદશીથી 4 મહિના સુધી ભગવાન વિષ્ણુ પાતાળમાં રાજા બલિના મહેલમાં નિવાસ કરે છે. આ સિવાય અન્ય માન્યતાઓ પ્રમાણે શિવજી મહાશિવરાત્રિ સુધી અને બ્રહ્માજી શિવરાત્રિથી દેવશયની એકાદશી સુધી પાતાળમાં નિવાસ કરે છે.