ગાંધીનગર- ગુજરાતમાં આવશ્યક ચીજવસ્તુની તંગી ના સર્જાય તે માટે રાજ્ય સરકારે પુરતો જથ્થો ઉપલબ્ધ કરાવી રહી છે. આ જથ્થો લઇને આવતા વાહનોને હવે પોલીસની કોઇ કનડગત નથી, કેમ કે તમામને પાસ આપી દેવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 90 હજાર લોકોને પાસ આપવામાં આવ્યા છે.
રાજ્યમાં અત્યાર સુધી 72 જેટલા હોલસેલ શાકમાર્કેટ કાર્યરત કરવામાં આવ્યા છે. 42.40 લાખ લીટર દૂધનું વિતરણ કરવામાં આવ્યું છે. 1.29 લાખ ક્વિન્ટર શાકભાજીનો જથ્થો એકત્ર કરવામાં આવ્યો છે. ગરીબ અને નિરાધાર લોકો માટે 2.82 લાખ ફૂડપેકેટ્સ આપવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે કહ્યું હતું કે આવશ્યક ચીજવસ્તુ લોકો સુધી પહોંચાડવા માટે 96158 લોકોને પાસ ઇસ્યુ કરવામાં આવ્યા છે. સરકારને પુરવઠા સંદર્ભે કન્ટ્રોલરૂમ હેલ્પલાઇન 1077 પરખી 1727 કોલ મળ્યા છે જ્યારે સ્ટેટ કન્ટ્રોલની હેલ્પલાઇન 1070 પરથી 477 કોલ મળ્યા છે.
શાકભાજીની આવકમાં શુક્રવારની 85133 કવીન્ટલની આવક સામે 45000 કવીન્ટલ વધુ એટલે કે 1.29 લાખ કવીન્ટલ શાકભાજી શનિવારે વધારે આવી છે. આ શાકભાજીમાં બટાટા 35577 કવીન્ટલ, ડુંગળી 24420 કવીન્ટલ, ટમેટા 13718 કવીન્ટલ અને અન્ય લીલા શાકભાજી 55375 કવીન્ટલનો આવરો થયો છે.
રાજ્યમાં ફળફળાદિની આવક પણ 700 કવીન્ટલ વધી છે. શુક્રવારે 4832 કવીન્ટલ ફળો આવ્યા હતા, જ્યારે શનિવારે 1050 કવીન્ટલ સફરજન, 825 કવીન્ટલ કેળાં અને 3710 કવીન્ટલ અન્ય ફળોની આવક થઇ છે.
લોકોને લોકડાઉનના આ સમયમાં આવશ્યક ચીજવસ્તુઓ સરળતાએ મળી રહે તે માટે જે-તે જિલ્લા-તાલુકા અને શહેરીતંત્ર દ્વારા ફેરિયાઓ-છૂટક વેપારીઓને પાસ ઇસ્યૂ કરવામાં આવે છે. આવા 96000થી વધુ પાસ સમગ્ર રાજ્યમાં અપાયા છે.