ગાંધીનગર- ભારતના અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ લોકડાઉન 3જી મે સુધી લંબાવવામાં આવ્યું છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં 15મી એપ્રિલથી અનાજ માર્કેટ યાર્ડ બજાર સમિતિઓ પૂન: કાર્યરત કરવાનો નિર્ણય કર્યો છે. કોરોના વાયરસને પગલે જાહેર થયેલા લોકડાઉનની સ્થિતીમાં રાજ્યભરના માર્કેટયાર્ડ-ખેતીવાડી બજા ઉત્પન્ન સમિતિઓ બંધ હતી તે હવે સ્થાનિક પરિસ્થિતી અને સુદ્રઢ આયોજન અનુસાર ફરી શરૂ કરી દેવાના દિશાનિર્દેશો તેમણે આપ્યા છે
આ માર્કેટયાર્ડ – બજાર સમિતિઓના સંચાલન અને કામકાજમાં સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાય અને કોરોના વાયરસનું સંક્રમણ થાય તેની ખાસ તકેદારી રાખવાની પણ સુચનાઓ આપવામાં આવી છે. આ હેતુસર જિલ્લા કક્ષાએ જિલ્લા રજિસ્ટ્રારની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની સમિતીની રચના કરવામાં આવી છે.
મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે કહ્યું હતું કે લોકડાઉનના સમયગાળામાં રવિ સિઝન બાદ ખેડૂતોને પડી રહેલા ખેત ઉત્પાદનોના કારણે આર્થિક સંકડામણ ભોગવવી પડતી હતી. તદ્દઉપરાંત રાજ્યના નાગરિકોને જીવનજરૂરી ચીજવસ્તુઓ પણ આ બજાર સમિતિઓ માર્કેટયાર્ડના માધ્યમથી મળતી રહે તેવા હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
તેમણે કહ્યું કે જિલ્લાકક્ષાની સમિતિ માર્કેટ શરૂ કરવાના તમામ આયોજનની ખાતરી કર્યા બાદ તારીખ નક્કી કરીને માર્કેટયાર્ડ ચાલુ કરાવશે. બજાર સમિતિએ ખરીદીની પ્રક્રીયા માટે અગાઉથી જ ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે તેમજ ત્યાર બાદ તારીખ અને વાર મુજબ નિશ્ચિત કરેલી સંખ્યામાં ખેડૂતોને માર્કેટ યાર્ડમાં વેચાણ માટે બોલાવવાના રહેશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
મુખ્યમંત્રીએ બજાર સમિતિઓમાં ખેડૂતોની ભીડભાડ ન થાય તેમજ સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાય તે માટે બજાર સમિતિઓ પોતાના વિસ્તારની મુખ્ય જણસીઓ આઇડેન્ટીફાય કરીને જે-તે જણસી પ્રમાણે દિવસ, વાર નક્કી કરીને તે જ જણસી ખેડૂતો બજારમાં સમિતિમાં લાવે અને તેનું જાહેર હરાજીથી વેચાણ થાય તેવી ગોઠવણ કરવા પણ દિશાનિર્દેશો આપેલા છે. ખેડૂતોના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા બાદ નિયત કરેલી તારીખે અને સમયે જ ખેડૂતો પોતાના ઉત્પાદનનું સેમ્પલ લઇને માર્કેટયાર્ડમાં આવી શકશે.
ખેત ઉત્પાદનના ભાવ નક્કી થાય ત્યાર પછી વેપારી ખેડૂતના ખેતર અથવા પરસ્પર સમજૂતિ મુજબ ગોડાઉન અથવા ફેકટરી કે જગ્યા ઉપર તે ખેત ઉત્પાદન પહોચાડે તે મુજબની વ્યવસ્થા કરવાની રહેશે. જો ખેડૂત પોતાના વાહનમાં ખેત ઉત્પાદન લઇને અનાજ માર્કેટયાર્ડમાં આવે તો તેણે સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવા પોતાના વાહનમાં જ રહેવું તેમજ વેપારીઓ ક્રમાનુસાર આવી હરાજીથી ઉત્પાદનની ખરીદી કરે તેવી વ્યવસ્થાઓ અપનાવવાની સૂચનાઓ પણ આપી દેવાઇ છે.
કોરોના વાયરસના સંક્રમણને ફેલાતું અટકાવવા બજાર સમિતીમાં કામ કરતા વેપારી, કમિશન એજન્ટ, હમાલ, તોલાટ, અન્ય કર્મીઓ તેમજ વેચાણ માટે આવતા ખેડૂતોનું સંપૂર્ણ સેનીટાઇઝીંગ, માસ્ક, ગ્લોસ પૂરતી વ્યવસ્થા કરવાની સાથોસાથ દરેક વ્યકિતઓની ડિઝીટલ ઇન્ફ્રારેડ ટેમ્પરેચર ગન થી આરોગ્ય ચકાસણી અવશ્ય કરવાની પણ સ્પષ્ટ સૂચનાઓ માર્કેટયાર્ડ – બજાર સમિતિઓને રાજ્ય સરકારે આપી છે. અનાજ-માર્કેટયાર્ડ સબયાર્ડમાં પ્રવેશનારી દરેક વ્યકિત સેનીટાઇઝરનો ઉપયોગ કરીને જ પ્રવેશે તેમજ માસ્ક પણ અવશ્ય પહેરે તેની ચોકસાઇ – તકેદારી રાખવાની જવાબદારી પણ માર્કેટયાર્ડની રહેશે.
તેમણે કહ્યું કે રાજ્યના જે માર્કેટયાર્ડમાં શાકભાજી અને અનાજ બજાર એક જ જગ્યાએ હોય તેવા યાર્ડમાં બેયના ખરીદ-વેચાણ માટે અલગ-અલગ સમય નક્કી કરવાનો રહેશે તેવી પણ તાકીદ કરવામાં આવેલી છે. આ સૂચનાઓનું બજાર સમિતિઓ દ્વારા યોગ્ય પાલન થાય તેની સંપૂર્ણ દેખરેખ બજાર સમિતિમાં જિલ્લા કક્ષાએથી નિયુકત થયેલા અધિકારી-કમર્ચારીએ કરવાની તેમજ જરૂર જણાયે સ્થાનિક પોલીસ, મહેસૂલીતંત્રનો સહયોગ મેળવીને તમામ સૂચનાઓનું પાલન કરાવવાની તકેદારી રાખવા પણ નિર્ધારીત કરવામાં આવેલું છે.


Margi Desai
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.