ગાંધીનગર—ગુજરાતમાં લોકડાઉન 3જી મે સુધી વધ્યું છે ત્યારે બેરોજગાર બનેલા ગરીબ પરિવારના લોકોએ સાબરકાંઠા જિલ્લામાં નોકરીઓ શોધવાનું શરૂ કર્યું છે. તેમણે મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિકાર (મનરેગા) હેઠળ સરકારના વહીવટી તંત્ર પાસે કામ માગ્યું છે અને કહ્યું છે કે અમને 15 દિવસમાં કામ નહીં મળે તો અમે બેકારી ભથ્થાંના હકદાર છીએ.
ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં મનરેગાની જોગવાઇ પ્રમાણે આ યુવાન અને યુવતીઓએ જિલ્લા અધિકારીઓને શોશ્યલ મિડીયાના માધ્યમથી નોકરી મેળવવાની ભલામણો કરી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના સાત જિલ્લાઓના ગ્રમજનોના જૂથ નરેગા વર્કર્સ યુનિયન દ્વારા ગ્રામજનોની અરજીઓ ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે આ યુનિયનમાં 35000 જેટલા સભ્યો છે. આ અરજીઓ ઓનલાઇન કરવામાં આવી રહી છે.
આ યુનિયનનું માનવું છે કે અમારા સભ્યોને કામ આપો અથવા તો બેકારી ભથ્થું આપો, કે જેથી તેમનું જીવન નિર્વાહ ચાલી શકે. મનરેગામાં હાલ કામો બંધ હોય તો સરકારે નોંધણી કરેલા સભ્યોને બેકારી ભથ્થું આપવું જોઇએ તેવું આ યુનિયનના જનરલ સેક્રેટરી પાલોમી મિસ્ત્રીએ કહ્યું છે. તેમણે કહ્યં કે મનરેગા ગ્રામીણ વસતીને વર્ષમાં ઓછામાં ઓછા 100 દિવસ રોજગારીની બાંહ્યધરી આપે છે. લોકડાઉનના કારણે ગ્રામીણ વિસ્તારના સંખ્યાબંધ લોકોને રોજગાર મળ્યો છે. વળી, ઘણાં સ્થળાંતર કરીને તેમના ગ્રામીણ વિસ્તારમાં પાછા ફર્યા છે. આવી સ્થિતિમાં તેમને કામની જરૂર છે.
આ યુનિયને કહ્યું છે કે લોકડાઉનના કારણે અમે કામદારોની અરજીઓ રૂબરૂ મોકલાવી શક્યા નથી તેથી સોશ્યલ માધ્યમથી અમે અરજીઓ ઓનલાઇન મોકલી દીધી છે. સોશ્યલ મિડીયામાં અમે જિલ્લા અધિકારીને ઉદ્દેશીને લખીએ છીએ અને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જેવા મંત્રીઓને પણ ટેગ કરીએ છીએ. 15 દિવસમાં અમને મનરેગા હેઠળ કામ આપવામાં ન આવે તો અમને બેકારી ભથ્થું મળવું જોઇએ તેવી પણ અમારી માગણી છે. હવે આવી અરજીઓ પ્રત્યેક જિલ્લામાંથી કરવામાં આવશે.
જો કે સાબરકાંઠાના જિલ્લા વિકાસ અધિકારી રાજેન્દ્ર પટેલ કહે છે કે મને મનરેગા હેઠળ સુપરત કરેલી કોઇપણ અરજીની જાણકારી નથી, પરંતુ સામાન્ય સંજોગોમાં વ્યક્તિ મનરેગા હેઠળ એક વર્ષમાં 100 દિવસ કામ માટે હક્કદાર છે અને જો અરજી કર્યા પછીના 15 દિવસમાં કામ ના મળે તો તે બેકારી ભથ્થું મેળવવાનો હકદાર છે. જો કે લોકડાઉનની દેશવ્યાપી પરિસ્થિતિમાં અમારે શું કરવું તેનું માર્ગદર્શન અમે ગાંધીનગરથી મેળવવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ.