ગાંધીનગર – ગુજરાતમાં સિંહોની સચ્ચાઇ એવી છે કે કોંગ્રેસના રાજકીય સિંહો ખતમ થઇ રહ્યાં છે જ્યારે જંગલના સિંહો વધી રહ્યાં છે. કોંગ્રેસમાં એક સમયે છ સિંહો હતા પરંતુ ધીમે ધીમે તે સિંહો પાર્ટીમાંથી ઓછા થતાં ગયા છે. જો કે સાસણ ગીરમાં સિંહોની સંખ્યા પ્રતિવર્ષ વધતી રહી છે. આજે ગીરના જંગલના સિંહોની સંખ્યા 700ના આંકડાને ટચ કરી રહી છે.
કોંગ્રેસમાં એક સમયે માધવસિંહ, અમરસિંહ, મનોહરસિંહ, ઉદેસિંહ, ભરતસિંહ, શક્તિસિંહનો જમાનો હતો. જ્યારે ગુજરાતમાં કોંગ્રેસની સરકારો હતી ત્યારે આ સિંહો સપાટી પર ટોચપર આવ્યા હતા. રાજ્યમાં રાજપાની સરકાર પછી કોંગ્રેસમાં વધુ એક શંકરસિંહની એન્ટ્રી થઇ હતી. કોંગ્રેસમાં સાત સિંહોનું સામ્રાજ્ય જોવા મળતું હતું પરંતુ અત્યારે માત્ર બે જ શક્તિસિંહ અને ભરતસિંહ બચ્યાં છે. આ બન્ને સિંહોમાંથી એક સિંહને રાજ્યસભામાં જવાનું મળી શકે તેમ નથી કારણ કે તેમના જ પરિવારના સભ્યોએ કટ્ટર વિરોધી પાર્ટી ભાજપને મદદ કરી છે.
રાજ્યના વન વિભાગના અધિકારીએ કહ્યું હતું કે આ વર્ષે મે મહિનામાં સિંહોની ગણતરી થવાની હતી પરંતુ કોરોના સંક્રમણના કારણે સિંહોની સલામતી માટે ગણતરી મોકુફ રાખવામાં આવી છે. આ ગણતરી હવે આવતા વર્ષે થશે. જો કે સિંહોની વસતી માટે પૂનમ અવલોકન કરવામાં આવ્યું છે જે દર પાંચ વર્ષે કરવામાં આવે છે. પૂર્ણ ચંદ્રના પ્રકાશમાં સિંહોની રાત્રે ગણતરી કરવામાં આવી હતી. આ ગણતરી 5 અને 6 જૂનના રોજ થઇ હતી.
ગુજરાતમાં 1990માં થયેલી ગણતરીમાં કુલ સિંહોની સંખ્યા 284 હતી તે 1995માં વધીને 304 થઇ હતી. 2001માં સિંહોની સંખ્યા 327, 2005માં 359 અને 2010માં 411 થઇ હતી. 2020માં પૂનમની ગણતરીમાં વન વિભાગને 159 નર સિંહ, 262 માદા સિંહ અને 138 બચ્ચાં જોવા મળ્યાં છે. આ વખતે પણ અગાઉના વર્ષોની જેમ નર કરતાં માદા સિંહોની સંખ્યા વધુ જોવા મળી છે. રાજ્યમાં છેલ્લે 2015માં સિંહોની ગણતરી કરવામાં આવી હતી ત્યારે સિંહોની સંખ્યા 523 જોવા મળી હતી.
2020ની રેન્ડમ ગણતરીમાં ગુજરાતના ગીર ઉપરાંત તેની આસપાસના અન્ય વિસ્તારોમાં 674 સિંહો જોવા મળ્યાં છે. એટલે કે સિંહોની સંખ્યામાં પાંચ વર્ષમાં 29 ટકાનો વધારો થયો છે. સિંહોનો વિસ્તરણનો વિસ્તાર વદીને 30,000 ચોરસ કિલોમીટર થઇ ગયો છે જે 2015માં 22,000 ચોરસ કિલોમીટર હતો. 2001ની ગણતરી સામે આ વખતે સિંહોની સંખ્યા બમણી થઇ છે. ગુજરાતમાં ભલે કોંગ્રેસના સિંહો ઘટી રહ્યાં છે પરંતુ જંગલમાં સિંહોની સંખ્યામાં ચમત્કારિક વધારો જોવા મળી રહ્યો છે.