નવી દિલ્હી: 18 સપ્ટેમ્બર, શનિવારે એરલાઇન્સ કંપનીઓને સરકાર તરફથી મોટી રાહત મળી છે. હકીકતમાં, નાગરિક ઉડ્ડયન મંત્રાલય (એમઓસીએ) એ શનિવારે જણાવ્યું હતું કે વિમાની ભાડાની નીચલી અને ઉપલી મર્યાદા કોઈપણ સમયે 15 દિવસ માટે લાગુ થશે અને એરલાઇન્સ 16 મા દિવસથી કોઇપણ મર્યાદા વગર ચાર્જ કરવા માટે મુક્ત રહેશે. આ વર્ષે 12 ઓગસ્ટથી અમલમાં આવેલી આ વ્યવસ્થા હાલમાં 30 દિવસ માટે હતી અને એરલાઇન્સ કંપનીઓ 31માં દિવસથી કોઇપણ મર્યાદા વગર ચાર્જ કરી રહી હતી.
શનિવારે જારી કરાયેલા નવા આદેશમાં મંત્રાલયે કહ્યું, “ધારો કે આજે તારીખ 20 સપ્ટેમ્બર છે, તો ભાડાની મર્યાદા 4 ઓક્ટોબર સુધી લાગુ રહેશે. આમ, 5 ઓક્ટોબર અથવા ત્યારબાદની કોઈપણ તારીખે મુસાફરી માટે, 20 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવેલ બુકિંગ ભાડાની ટોચમર્યાદા દ્વારા નિયંત્રિત કરવામાં આવશે નહીં. ”
ઓર્ડરમાં કહેવામાં આવ્યું છે કે, જો બીજા દિવસે એટલે કે 21 સપ્ટેમ્બરના રોજ બુકિંગ કરવામાં આવે, તો ભાડાની મર્યાદા 5 ઓક્ટોબર સુધી લાગુ રહેશે અને 6 ઓક્ટોબરના રોજ અથવા પછીની મુસાફરી માટે, ભાડાની મર્યાદા લાગુ થશે નહીં.
આ વર્ષે 12 ઓગસ્ટના રોજ સ્થાનિક હવાઈ મુસાફરી મોંઘી થઈ. મંત્રાલયે ભાડાની નીચલી અને ઉપલી મર્યાદા 9.83 થી વધારીને 12.82 ટકા કરી હતી.