નોર્થ કેરોલિનામાં ચાલી રહેલી એટીપી ટુર્નામેન્ટના મુખ્ય ડ્રોની મેચ જીતનારો લી ડક પહેલો બધિર ખેલાડી બન્યો છે. દક્ષિણ કોરિયાના 21 વર્ષિય લી ડકે વરસાદી માહોલ વચ્ચે રમાયેલી મેચમાં સ્વિટ્ઝરલેન્ડના લાક્સોનેનને 7-6, 6-1થી હરાવ્યો હતો. તેણે કહ્યું હતું કે મેં વિચાર્યું નહોતું કે હું અહીં સુધી પહોંચીશ મેં મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને જીત્યો. હવે તેનો સામનો પોલેન્ડના હબર્ટ હુકોર્ઝ સાથે થશે.
લી ડકે સ્વીકાર્યું હતું કે તેની નબળાઇને કારણે તેને કોર્ટ પર થોડી મુશ્કેલી પડે છે, તે લાઇન કોલ કે અમ્પાયરનો કોલ સાંભળી શકતો નથી અને તેના માટે તેણે ઇશારાઓ પર નિર્ભર રહેવું પડે છે. મેચ પછી પ્રેસ કોન્ફરન્સમાં કોરિયન ટ્રાન્સલેટર અને લી વચ્ચેના સવાલને સમજાવવાનું કામ લીની મંગેતરે કર્યું હતું. લીએ કહ્યું હતું કે હું એ બધાને બતાવવા માગતો હતો કે હું આ કરી શકું છું. જો તમે પ્રયત્ન કરો તો કંઇપણ કરી શકો છો એવું તેણે ઉમેર્યું હતું.