પુલવામામાં આતંકવાદી હુમલા પછી દેશભરમાં એલર્ટ જાહેર કરાયું છે ત્યારે ભારત-પાકિસ્તાનની બોર્ડર ઉપર આવેલા અત્યંત સંવેદનશીલ ગણાતા કચ્છમાંથી પોલીસે હથિયાર બનાવવાનું એક કારખાનું પકડયું છે. આ સાથે બે શખ્સોની પણ પોલીસે ધરપકડ કરી છે.
કચ્છના અબડાસા તાલુકાનાં બોહા રાયધણપર ગામની પાસે દેશી બંદૂકો તથા બંદૂક બનવાના સામાન સહીત કુલ સાડા ત્રણ લાખનો મુદ્દા માલ કબ્જે કરીને પિતા પુત્ર એમ કુલ બે જણની ધરપકડ કરી હતી. પોલીસે સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે, કોઠારા પોલીસને બોર્ડર એલર્ટનાં બંદોબસ્ત દરમિયાન બાતમી મળી હતી કે, રાયધણપર ગામનાં વાડી વિસ્તારમાં કોઈ શંકાસ્પદ વસ્તુઓ સગેવગે કરવાની પ્રવૃત્તિ થઇ રહી છે.
માહિતીને આધારે પોલીસે ખીરસરા વીંજાણ ગામનો નૂર મામદ હિંગોરા અને તેનો દિકરો મનસુરને વાડીમાં દેશી હથિયારો સાથે ઝડપી લીધા હતા.પોલીસે દરોડા દરમિયાન તૈયાર દેશી બંદુક ઉપરાંત અર્ધ તૈયાર હથિયાર તેમજ એક કાર સહીત કુલ રૂપીયા 3.52 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને તેમની વિરૂદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી.
કચ્છમાથી દેશી હથિયાર બનાવતા મીની કારખાના પકડી પાડવાની ઘટના સામાન્ય છે, પરંતું ભારત પાક વચ્ચેના તંગ વાતાવરણ વચ્ચે બોર્ડર ઉપર હાઈ એલર્ટ અને કડક બંદોબસત છે ત્યારે હથિયાર પકડવાની ઘટનાને કચ્છની ગુપ્તચર એજન્સી ઉપરાંત સુરક્ષા દળો પણ બારીકાઈથી જોઇ રહ્યાં છે. આ ત્યારે તેઓ ક્યાં સપ્લાય કરવાના હતા તેની પોલીસે ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.