દર મહિને સુદ પક્ષની છઠ્ઠ તિથિએ ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર ભગવાન કાર્તિકેયની પૂજા કરવાથી દરેક પ્રકારના ફાયદા મળે છે. આ વર્ષે આ છઠ્ઠ તિથિ 26 જૂન એટલે આજે ઉજવવામાં આવી રહી છે. જોકે, આ તહેવાર દક્ષિણ ભારતમાં ખાસ ઉજવવામાં આવે છે, પરંતુ ભગવાન ભોળાનાથ અને સ્કંદમાતા એટલે પાર્વતીની પૂજા દેશભરમાં થતી હોવાથી આ દિવસે બધા જ મંદિરોમાં ભગવાન કાર્તિકેયની પૂજા થશે. આ તિથિએ કુમાર કાર્તિકેયએ તારકાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. આ તિથિ મહિનામાં એકવાર આવે છે.
આ વ્રતને કરવાથી સંતાન સુખ વધે છે. દુશ્મનો ઉપર વિજય મેળવવા માટે પણ ભગવાન કાર્તિકેયની પૂજા કરવામાં આવે છે. માતા દુર્ગાના 5માં સ્વરૂપ સ્કંદમાતાને ભગવાન કાર્તિકેયની માતાના સ્વરૂપમાં ઓળખવામાં આવે છે. જોકે, નવરાત્રિના 5માં દિવસે સ્કંદમાતાની પૂજાનું વિધાન છે. આ સિવાય આ છઠ્ઠને ચંપા ષષ્ઠી પણ કહેવામાં આવે છે, કેમ કે, ભગવાન કાર્તિકેયને સુબ્રહ્મણ્યમના નામથી પણ બોલાવવામાં આવે છે અને તેમનું પ્રિય ફૂલ ચંપા છે.