તમિલનાડુના કાંચીપુરમ જિલ્લામાં વરાહ ગુફા મંદિર છે જે ચટ્ટાનને કાપી અને કોતરીને બનાવવામાં આવી હતી. શિલાલેખ અને ઐતિહાસિક શોધ પ્રમાણે આ મંદિર 7મી સદીનું માનવામાં આવે છે. આ મંદિરના ઇતિહાસને જોતાં 1984 માં યૂનેસ્કો દ્વારા વિશ્વની મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક ધરોહરમાં પણ સામેલ કરવામાં આવ્યું છે. વરાહ ગુફા મંદિરમાં ભગવાન વિષ્ણુની વરાહ અવતારમાં પ્રતિમા મુખ્ય આકર્ષણ છે. મૂર્તિ તે પૌરાણિક ઘટનાને દર્શાવે છે, જ્યારે ધરતીને બચાવવા માટે ભગવાન વિષ્ણુએ વરાહ એટલે જંગલી સૂવરનું સ્વરૂપ ધારણ કર્યું હતું. ભગવાન વિષ્ણુના સ્વરૂપ વરાહએ પોતાના લાંબા દાંતથી પૃથ્વીને જળમગ્ન થવાથી બચાવી હતી. વરાહ ભગવાન વિષ્ણુના દશઅવતારમાંથી એક છે. પૌરાણિક કથા પ્રમાણે જ્યારે રાક્ષસ હિરણ્યાક્ષે ધરતી ઉપર પાપ અને આતંક મચાવ્યો હતો ત્યારે પૃથ્વી જળમાં ડૂબી ગઇ હતી, તે સમયે ભગવાન વિષ્ણુએ વરાહનું સ્વરૂપ ધારણ કર્યું અને રાક્ષસને મારીને ધરતીને બચાવી હતી.