ગાંધીનગર – ગુજરાતમાં આયારામ-ગયારામની સ્થિતિ શરૂ થઇ છે. કોરોના સંક્રમણના સમયમાં કોંગ્રેસની દશા બેઠી છે. રાજ્યસભામાં કોંગ્રેસના બે પૈકી એક ઉમેદવારનો ગરબો ઘેર આવી રહ્યો તે નિશ્ચિત બની ચૂક્યું છે, કારણ કે કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ રાજીનામાં આપીને ભાજપને મદદ કરી છે.
બીજી તરફ એનસીપીના એકમાત્ર ધારાસભ્ય કાંધલ જાડેજાનો ભાજપ પ્રેમ છતો થયો છે. કાંધલનો કર્મયોગ પણ જોવા જેવો છે. તેને પાર્ટી હાઇકમાન્ડના કોઇ બંધન નડતા નથી. એનસીપીમાં હવે શંકરસિંહ વાઘેલા નથી પરંતુ ભાજપ સાથે ફિક્સિંગ કરનારા પૂર્વ ધારાસભ્ય જ્યંતિ બોસ્કી આવી ચૂક્યાં છે. તેમણે ફરીથી પ્રદેશ પ્રમુખનો ચાર્જ સંભાળી લીધો છે.
કાંધલ જાડેજાએ સ્પષ્ટતા કરી છે કે રાજ્યસભાની ચૂંટણીમાં હું કાયમ માટે ભાજપના ઉમેદવારને મત આપું છું. હું કાયમ માટે એનસીપીમાં જોડાયેલું છે અને જોડાયેલો રહેવાનો છું પરંતુ રાજ્યસભાની ચૂંટણીમાં મારો મત બીજા કોઇને નહીં ભાજપને જશે. કાંધલે આ નિવેદન કરીને ભાજપના ઉમેદવાર નરહરિ અમીનને સમર્થન આપી દીધું છે. મહારાષ્ટ્રમાં કે દેશમાં કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ભલે ગઠબંધન રહ્યું પરંતુ ગુજરાતમાં એનસીપી વાંકી ચાલે છે.
આ અગાઉ પણ રાજ્યસભાની ચૂંટણીમાં જ્યારે અહમદ પટેલ ઉભા હતા ત્યારે જ્યંત બોસ્કી અને કાંધલ જાડેજાએ ભાજપના ઉમેદવાર બલવંતસિંહ રાજપૂતને મત આપ્યો હતો. હવે 19મી જૂને યોજાનારી ચૂંટણીમાં પણ કાંધલ જાડેજા ભાજપના ઉમેદવારને મત આપવાનું વચન આપી ચૂક્યાં છે છતાં એનસીપીની રાષ્ટ્રીય નેતાગીરી તેમની આ દાદાગીરી સામે વામણી પુરવાર થઇ છે.
ગુજરાત વિધાનસભામાં ભાજપના સભ્યોની સંખ્યા 103 છે. 10 બેઠકો ખાલી છે. એનસીપીના એક ધારાસભ્ય છે. બીટીપીના બે ધારાસભ્યો છે અને એક અપક્ષ ધારાસભ્ય છે, જ્યારે કોંગ્રેસ પાસે માત્ર 65 ધારાસભ્યો રહ્યાં છે. વિધાનસભાની ચૂંટણી થઇ હતી ત્યારે કોંગ્રેસ પાસે 77 ધારાસભ્યો હતા, છેલ્લા ત્રણ વર્ષમાં 12 ધારાસભ્યો ઘટી ગયા છે.