શ્રાવણ માસ ની કૃષ્ણપક્ષની અષ્ટમી એટલે જન્માષ્ટમી આઠમના ચદ્રની જેમ એક પગ પર ઉભા થઈને, એક પગ વાંકો રાખીને, શરીરને થોડુંક વાળીને આ મુરલીધરે જે દિવસે સંસારમાં પહેલીવાર પ્રાણ ફૂક્યા, તે દિવસ ઈતિહાસમાં અમર થઈ ગયો. જ્યોતિષાચાર્ય શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ કહે છે કે વાદળોનો ગડગડાટ થઈ રહ્યો હતો, વીજળી કડકી રહી હતી, મૂશળધાર વરસાદ પડી રહ્યો છે, આવા સમયે શ્રી કૃષ્ણનો જન્મ થયો છે. જ્યારે જીવનમાં અંધકાર છવાઈ જાય છે, નિરાશાનુ વાતાવરણ છવાઈ જાય છે, સંકટનો વરસાદ તૂટી પડે છે, દુ:ખ-દૈન્યના કાળા વાદળો ધમકી આપીને ગડગડાહટ કરે છે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ જન્મ લે છે. વ્યાપ્ત અંધકારમાં જ્યારે પ્રકાશની કિરણો ફૂટી પડે છે, જાજ્વલ્યમાન સુર્ય પોતાની આભાને ફેલાવે છે, ત્યારે કયુ હૃદય આનંદથી પુલકિત નહી થાય ? સામ્રાજ્યવાદની ચક્કીમાં પિસાતા સમાજને તેનો તારણહાર મળે, સત્તા અને સંપત્તિના શોષણથી છોડાવનારા મુક્તિદાતા મળે, ગરીબો અને ઉપેક્ષિતોને સહાનુભૂતિ આપનારા સ્નિગ્ધ હૃદય મળે, પડી જનારાઓને ઉભા કરનારો હાથ મળે અને અધ્યાત્મને સહાનુભૂતિ આપનારો સ્નિગ્ધ હૃદય મળે, ત્યારે કોણુ હૃદય નહી નાચી ઉઠે ? ભારતમાં અનેક અવતારો થયા છે. નરરત્નોની પરંપરા ભારતમાં છે. એક-એક ધ્યેયને માટે ઘણા જીવન આ દેશમાં લોકોએ અર્પણ કર્યુ છે. આવા ભારત દેશના રત્નોમાં શોભા આપનારા કૌસ્તુભમણિ અર્થાત શ્રી કૃષ્ણ યશસ્વી, વિજયી યોધ્ધા, ધર્મસામ્રાજ્યના ઉત્પાદક, માનવ વિકાસની પરંપરાના નૈતિક મૂલ્યને સમજાવનારા ઉદ્દગાતા, ધર્મના મહાન પ્રવચનકાર, ભક્તવત્સલ અને જ્ઞાનીયો અને જીજ્ઞાસુઓની જિજ્ઞાસ પૂરી કરનારા સદ્દગુરૂ એટલેકે શ્રી કૃષ્ણને અનંત પ્રણામ. સનાતન ધર્મ શાસ્ત્રો માં ભગવાન કૃષ્ણ ને જગદગુરુ ની ઉપમા આપવામાં આવી છે वसुदेवसुतं देवं कंसचाणूर मरदनम देवकी परमानंदं कृष्णं वंदे जगद्गु गुरुम् (વસુદેવના પુત્ર, કંસ-ચાણૂરને મારનારા, દેવકીમાતાને અતિશય આનંદ આપનારા, જગદગુરુ એવા શ્રીકૃષ્ણને હું નમસ્કાર કરું છું.) તમામ દ્રષ્ટિએ કૃષ્ણ પૂર્ણ અવતાર છે. તેમના જીવનમાં ક્યાય પણ આંગળી ઉઠાવવામાં, ન્યૂનતા જેવુ સ્થાન નથી. એક પણ સ્થાન એવુ નથી કે જ્યા ઉણપ અનુભવી શકાય. આધ્યાત્મિક, નૈતિક કે બીજી કોઈ પણ દ્રષ્ટિએ જોઈશુ તો ખબર પડશે કે કૃષ્ણ જેવા સમાજ ઉદ્ધારક બીજા કોઈ જનમ્યા નથી. કૃષ્ણની તુલનામાં ઉભા રહી શકે તેવો રાજનીતિજ્ઞ આ જગતમાં કોઈ પણ જોવા નથી મળતો.


Satya Day News
Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.