વાલ્મીકિ રામાયણ પ્રમાણે માતા સીતાનો જન્મ જનકપુરમાં થયો હતો. જનકપુરનું પ્રાચીન નામ મિથિલા તથા વિદેહનગરી હતું. ભગવાન શ્રીરામ સાથે લગ્ન પહેલાં સીતાજીએ મોટાભાગનો સમય અહીં જ વ્યતીત કર્યો હતો. અહીં માતા સીતાના લગ્ન થયાં હતાં.
જનકપુરના જાનકી મંદિર પાસે જ રંગભૂમિ નામનું સ્થાન છે. જ્યાં લગ્ન પહેલાં શ્રીરામે શિવજીનું પિનાક ધનુષ તોડ્યું હતું. રામાયણ પ્રમાણે આ જગ્યાએ ધનુષ તોડવાથી ખૂબ જ મોટો વિસ્ફોટ થયો અને ધનુષના ટુકડા લગભગ 18 કિલોમીટર દૂર જઇને પડ્યાં હતાં. જ્યાં આજે ધનુષા ધામ બન્યું છે. આ સિવાય જનકપુર પાસે રાણી બજાર નામની જગ્યાએ મણિમંડપ સ્થાન છે.
જનકપુર મંદિરઃ-
વાલ્મીકિ રામાયણ પ્રમાણે માતા સીતાનો જન્મ જનકપુરમાં થયો હતો. અહીં માતા સીતાનું મંદિર બનેલું છે. આ મંદિર લગભગ 4860 વર્ગ ફૂટમાં ફેલાયેલું છે. મંદિરના વિશાળ પરિસર આસપાસ લગભગ 115 સરોવર છે. આ સિવાય અનેક કુંડ પણ છે. આ મંદિરમાં માતા સીતાની પ્રાચીન મૂર્તિ છે. જે વર્ષ 1657 આસપાસની ઉલ્લેખવામાં આવે છે. અહીંના લોકો પ્રમાણે એક સંત અહીં સાધના-તપસ્યા માટે આવ્યાં હતાં. આ દરમિયાન તેમણે માતા સીતાની એક મૂર્તિ મળી, જે સોનાની હતી. તેમણે તે જ મૂર્તિને અહીં સ્થાપિત કરી હતી. ત્યાર બાદ ટીકમગઢની મહારાણી કુમારી વૃષભાનુ અહીં દર્શન માટે આવ્યાં હતાં. તેમને કોઇ જ બાળક હતું નહીં. અહીં પૂજા દરમિયાન તેમણે મન્નત માંગી કે, જો તેમને સંતાન થશે તો તે અહીં મંદિર બનાવડાવશે. સંતાન પ્રાપ્તિ બાદ તે ફરી આવ્યાં અને લગભગ 1895 આસપાસ મંદિરનું નિર્માણ શરૂ થયું. 16 વર્ષમાં મંદિરનું નિર્માણ પૂર્ણ થયું.
રંગભૂમિઃ–
વાલ્મીકિ રામાયણમાં જનકના યજ્ઞ સ્થળ એટલે વર્તમાન જનકપુરના જાનકી મંદિર નજીક એક મેદાન છે, જે રંગભૂમિ કહેવાય છે. લોક માન્યતા પ્રમાણે આ મેદાનમાં દેશ-વિદેશના બળશાળી રાજાઓ વચ્ચે શંકરજીના પિનાક ધનુષ તોડીને શ્રીરામે સીતાજી સાથે લગ્નની શરત પૂર્ણ કરી હતી. રામચરિત માનસમાં પણ તેને રંગભૂમિ કહેવામાં આવે છે. તે નેપાળનું એક ખૂબ જ પ્રસિદ્ધ મેદાન છે. વર્ષભર અહીં વિવિધ આયોજન થતાં રહે છે.
ધનુષા મંદિર ધનુષા ધામ નેપાળઃ-
ધનુષા નેપાળનો મુખ્ય જિલ્લો છે. આ જિલ્લામાં ધનુષાધામ સ્થિત છે જે જનકપુરથી લગભગ 18 કિમી દૂર છે. ધનુષા ધામમાં આજે પણ શિવજીના પિનાક ધનુષના અવશેષ પત્થર સ્વરૂપે ઉપસ્થિત છે. વાલ્મીકિ રામાયણ પ્રમાણે જ્યારે પિનાક ધનુષ તૂટ્યું ત્યારે ભયંકર વિસ્ફોટ થયો હતો. ધનુષના ટુકડા ચારેય બાજુ ફેલાય ગયાં હતાં. તેમાંથી થોડાં ટુકડા અહીં પણ પડ્યાં હતાં. મંદિરમાં પણ હાલ ધનુષના અવશેષ પત્થર સ્વરૂપે માનવામાં આવે છે. ત્રેતાયુગમાં ધનુષના ટુકડા વિશાળ ભૂ ભાગમાં પડ્યાં અને તેના અવશેષને ધનુષા ધામના નિવાસીઓએ સુરક્ષિત રાખ્યાં હતાં. ભગવાન શંકરના પિનાક ધનુષના અવશેષની પૂજા ત્રેતાયુગથી અત્યાર સુધી અનવરત અહીં ચાલી રહી છે. જ્યારે અન્ય સ્થાન ઉપર પડેલાં અવશેષ લુપ્ત થઇ ગયાં છે.
મણી મંડપ, રાણી બજાર જનકપુરઃ-
ત્રેતાયુગમાં મિથિલા નરેશ સીરધ્વજ જનકના દરબારમાં રામજી દ્વારા ધનુર્ભંગ બાદ અયોધ્યાજીથી વરઘોડો આવ્યો હતો. શ્રી રામ સહિત ચારેય ભાઇઓના લગ્ન થયાં હતાં. જે સ્થાને જનકપુરમાં મણિઓથી સુસજ્જિત વેદી અને યજ્ઞ મંડપ નિર્મિત થયો, તે રાણી બજારની નજીક છે. આ સ્થળ મણિ મંડપના નામથી પ્રસિદ્ધ છે, પરંતુ આસપાસ ક્યાંય કોઇ મણિ નિર્મિત પરિસર નથી. બસ નામ જ છે. તેની પાસે જ પોખર છે જ્યાં ચારેય ભાઈઓના ચરણ ધોવામાં આવ્યાં હતાં, તથા લગ્નની યજ્ઞ વેદી પણ બનાવેલી છે.