ડેવિસ કપ ફોર્મેટમાં એક ફેરફાર કરીને આઇટીએફે પ્રાદેશિક લેવલની સ્પર્ધાઓ માટે ગ્રુપ વન અને ગ્રુપ ટુની સિસ્ટમ ખતમ કરી નાંખી છે તેના કારણે ભારત માટે ક્વોલિફાયરનો માર્ગ આકરો બની ગયો છે. આવતા વર્ષથી ભારતીય ટીમે યૂરોપ, દક્ષિણ અને ઉત્તર અમેરિકા જેવી ટીમો સાથે બાથ ભીડવી પડશે.
અત્યાર સુધી અમેરિકા, એશિયા ઓશિયાના અને યુરોપ આફ્રિકામાં ચાર ગ્રુપ રહેતા હતા. નવા ફોર્મેટ અનુસાર ગ્રુપ 1 અને 2 2020થી નહીં હોય. તેને સ્થાને 24 ટીમનું વર્લ્ડ ગ્રુપ 1 અને 24 ટીમનું વર્લ્ડ ગ્રુપ 2 બનાવાશે. ભારતના નોન પ્લેઇંગ કેપ્ટન મહેશ ભૂપતિએ આ બાબતે કહ્યું હતું કે આમ તો એ રોમાંચક છે પણ આપણા માટે તે આકરું રહેશે. આપણે એશિયામાં પ્રભાવી રહ્યા છીએ પણ હવે દરેક મેચ આકરી બનશે.
આ પહેલા આઇટીએફે ડેવિસ કપમાં વર્ષના અંતે રમાતી ફાઇનલનો અંત આણ્યો હતો, જેમાં 18 ટીમો ટાઇટલ માટે એક અઠવાડિયાની અંદર મુકાબલો કરતી હતી. ભારત સતત વર્લ્ડ ગ્રુપ પ્લેઓફમાં પહોંચતું રહ્યું છે. આવતા વર્ષે ક્વોલિફાયરમાં 12 પરાજીત ટીમો અને વર્લ્ડ ગ્રુપ 2 પ્લેઓફ વનની 12 વિજેતા ટીમ વર્લ્ડ ગ્રુપ વન બનાવશે. વર્લ્ડ ગ્રુપ 1 પ્લેઓફમાં હારનારી 12 ટીમો અને વર્લ્ડ પ્લે ગ્રુપ 2 પ્લેઓફની 12 વિજેતા ટીમ વર્લ્ડ ગ્રુપ ટુ બનાવશે. પ્લેઓફ માર્ચ 2020માં ક્વોલિફાયર સાથે રમાશે.
વર્લ્ડ ગ્રુપ પ્લેઓફમાં પહોંચવાનો ભારત સામે આકરો પડકાર ઊભો થશે
ભારત સતત વર્લ્ડ ગ્રુપ પ્લેઓફમાં પહોંચતું રહ્યું છે. હાલના ફોર્મેટમાં તેનો સામનો કોરિયા, ન્યુઝીલેન્ડ, ચીન, પાકિસ્તાન, ચાઇનીઝ તાઇપેઇ, લેબેનોન અને ઉઝબેકિસ્તાન જેવી ટીમો સાથે થતો હતો પણ હવે આવતા વર્ષથી તેના માટે આ પડકાર આકરો બનશે અને પ્લેઓફમાં પહોંચવા માટે તેણે મહાપ્રયાસ આદરવા પડશે.