ગાંધીનગર – તમારૂં બાળક પાંચ વર્ષનું છે તો તેને સ્કૂલ પ્રવેશ નહીં મળી શકે. સ્કૂલમાં જવા માટેની ઓછામાં ઓછી ઉંમરમાં ગુજરાત સરકારે સુધારો કર્યો છે. રાજ્યના સંયુક્ત શિક્ષણ નિયામકે એક પરિપત્ર અને ગેઝેટમાં સ્કૂલે જતા બાળકની ઉંમરમાં ફેરફાર કર્યો છે.ગુજરાતમાં આઇટીઇ રૂલ્સ અમલમાં છે. મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર લોકોને મળે છે. નવા જન્મતા બાળકોને કઇ ઉંમરે સ્કૂલમાં દાખલ કરવા તે સ્પષ્ટતા તેમાં કરવામાં આવેલી છે. જો કોઇ વાલી તેમના બાળકને પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં દાખલ કરવા માગતા હોય તો હવે સ્કૂલમાં દાખલ કરવાની ઉંમર બદલાઇ ગઇ છે.
નવા જાહેરનામા પ્રમાણે શૈક્ષણિક વર્ષના 1લી જુનના રોજ જે બાળકની ઉંમરનું છઠ્ઠું વર્ષ પૂરૂં ન થાય તેવા બાળકોને સામાન્ય રીતે પ્રારંભિક સ્કૂલોમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. શૈક્ષણિક વર્ષ 2020-21, 2021-22 અને 2022-23 દરમ્યાન કોઇ બાળકે તે શૈક્ષણિક વર્ષના 1લી જૂને પાંચ વર્ષની વય પૂર્ણ કરી હોય તેવા બાળકોને તે વર્ષમાં સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવશે.ગુજરાતમાં હવે પૂર્વ પ્રાથમિક શિક્ષણ એટલે કે બાલમંદિરમાં પ્રવેશ લેવો હોય તો બાળકની ઉંમર પાંચ વર્ષ પૂરાં થયેલી હોવી જોઇએ કે જેથી ભવિષ્યમાં બાળકને ચોક્કસ વય મર્યાદાના આધારે ધોરણ-1માં પ્રવેશ આપી શકાય. શિક્ષણ વિભાગનો આ આદેશ રાજ્યની સ્કૂલોમાં લાગુ કરવામાં આવ્યો છે.