ભારતીય હોકી ટીમે સ્ટ્રાઇકર મનદીપ સિંહની હેટ્રિકની મદદથી જાપાનને 6-3થી હરાવીને ટોક્યોમાં રમાતી ઓલિમ્પિક્સ ટેસ્ટ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ભારતીય ટીમનો ત્રીજી મેચમાં જેની સામે 1-2થી પરાજય થયો હતો તે ન્યુઝીલેન્ડ સામે જ હવે તેમણે બુધવારે ફાઇનલમાં રમવાનું છે.
ભારતીય ટીમ વતી મનદીપે 9મી, 29મી અને 30મી મિનીટમાં ગોલ કર્યા હતા. તેના સિવાય નાલાકાંતા શર્માએ ત્રીજી, નીલમ સંજીવ સેસે 7મી અને ગુરજંત સિંહે 41મી મિનીટમાં ગોલ કર્યા હતા. જાપાન તરફથી કેન્તારો ફુફુડાએ 25મી, કેન્તા તનાકાએ 36મી અને કાઝુમા મુરાતાએ 52મી મિનીટમાં ગોલ કર્યા હતા.
નીલાકાંતાએ ભારતને જોરદાર શરૂઆત અપાવીને ત્રીજી મિનીટમાં જ ફિલ્ડ ગોલ કર્યો હતો અને તેના કારણે ભારતીયોને જાપાની ડિફન્ડરો પર પ્રેશર ઊભું કરવાની તક મળી હતી. તે પછી 7મી મિનીટમાં પેનલ્ટી કોર્નરને નિલમે ગોલમાં ફેરવી સરસાઇ ડબલ કરી હતી. ભારતે શરૂઆતથી અંત સુધી આક્રમકતા જાળવી રાખતાં તેમણે આ વિજય નોંધાવ્યો હતો.