ભારતના જૂનિયર બેડમિન્ટન ખેલાડીઓએ પ્રભાવશાળી પ્રદર્શન કરીને બલ્ગેરિયા ખાતે જૂનિયર ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં ત્રણ ગોલ્ડ, એક સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ સહિત કુલ 6 મેડલ જીત્યા હતા. સામિયા ઇમાદ ફારુકીએ મહિલા સિંગલ્સની ફાઇનલમાં રશિયાની બીજી ક્રમાંકિત એનાસ્તાસિયા શાપોવાલોવાને 9-21, 21-12, 22-20થી હરાવીને ગોલ્ડ મેડલ જીતી લીધો હતો.
એડવિન જાય અને શ્રુતિ મિશ્રાએ મિક્ષ્ડ ડબલ્સની ફાઇનલમાં બ્રેન્ડન ઝી હાઓ અને એબિગેલ હેરિસની બ્રિટનની બીજી ક્રમાંકિત જોડીને 21-14, 21-17થી હરાવીને ભારતને બીજો ગોલ્ડ મેડલ જીતાડ્યો હતો. મહિલા ડબલ્સમાં તનીશા ક્રાસ્તો અને અદિતી ભટ્ટની જોડીએ ફાઇનલમાં બેનગિસુ એરસેટિન અને જેહરા એર્ડફમની જોડીને 21-15, 18-21 21-18 હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
ઇશાન ભટનાગર અને વિષ્ણુવર્ધનની જોડી પુરૂષ ડબલ્સમાં જો કે વિલિયમ જોન્સ અને બ્રેન્ડન ઝી હાઓની બ્રિટીશ જોડી સામે ફાઇનલમાં 19-21, 18-21થી હારી જતા તેમણે સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. માલિવકા બંસોડ મહિલા સિંગલ્સની સેમી ફાઇનલમાં જ્યારે મેઇરાબા લુવાંગ પુરૂષ સિંગલ્સની સેમી ફાઇનલમાં હારતા તેમણે બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.