નવી દિલ્હી: હવે હોમ લોન લેનારાઓ માટે વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે. ભારતીય જીવન વીમા નિગમ (LIC) હાઉસિંગ ફાઇનાન્સે લોકોને હોમ લોન આપવા માટે ઇન્ડિયા પોસ્ટ સાથે હાથ મિલાવ્યા છે. આ અંગે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (IPPB) ના મેનેજિંગ ડિરેક્ટર અને મુખ્ય કાર્યકારી અધિકારી જે વેંકટારામુએ જણાવ્યું હતું કે હવે અમારા ગ્રાહકોને તેમના પ્લેટફોર્મ પર હોમ લોનની સુવિધા પણ મળશે.
હાલમાં, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં લગભગ 4.5 કરોડ ગ્રાહકો છે જે એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ પાસેથી હોમ લોન મેળવી શકે છે. એટલે કે, સરળ રીતે કહીએ તો, IPPB ના ગ્રાહક IPPB મારફતે LIC હાઉસિંગ ફાઇનાન્સમાંથી સીધી લોન લઇ શકશે.
એલઆઈસી સાથે કરાર કર્યા પછી, ઈન્ડિયા પોસ્ટના કર્મચારીઓ હોમ લોન યોજનાને શક્ય તેટલા લોકો સુધી લઈ જવા માટે કામ કરશે. કર્મચારીઓનો પ્રયાસ હશે કે વધુને વધુ ગ્રાહકો તેમના પ્લેટફોર્મ પરથી લોન લે.
જણાવી દઈએ કે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની દેશભરમાં 650 શાખાઓ અને 1.36 લાખ બેન્કિંગ ટચ પોઈન્ટ છે. ઇન્ડિયા પોસ્ટ ગ્રામીણ વિસ્તારોમાં 2 લાખથી વધુ પોસ્ટમેન અને ડાક સેવકોને રોજગારી આપે છે. એલઆઈસી સાથે કરાર કર્યા બાદ ઈન્ડિયા પોસ્ટના કર્મચારીઓ બિઝનેસ લાવવા માટે કામ કરશે.
LIC હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ દ્વારા આપવામાં આવેલી હોમ લોન પર વ્યાજ 6.66 ટકાથી શરૂ થાય છે. કોટક મહિન્દ્રા બેંક પછી આ દર સૌથી ઓછા છે. બીજી બાજુ, કોટક મહિન્દ્રા બેંક વાર્ષિક 6.65 ટકા વ્યાજ પર લોન આપે છે.