ગાંધીનગર — ગુજરાતમાં કોરોના વાયરસના કેસો વધતા જાય છે ત્યારે હવે ગાંધીનગરનું સચિવાલય પણ બાકાત નથી. એક કર્મચારી અને એક ટીવી ચેનલના પત્રકારને કોરોના પોઝિટીવ થયા પછી ગુજરાત સરકારે જાહેર કર્યું છે કે અમદાવાદથી કોઇપણ કર્મચારીને ગાંધીનગરમાં બોલાવવા નહીં.
એટલું જ નહીં ગાંધીનગરના જે વિસ્તારમાં પોઝિટીવ કેસ આવ્યા છે ત્યાંથી પણ કોઇ કર્મચારીએ સચિવાલયમાં આવવું નહીં તેવો આદેશ કરવામાં આવ્યો છે. સરકારના તમામ કર્મચારીઓને સલામતીના પગલાં લેવા પણ જણાવવામાં આવ્યું છે. ફરજ પર હાજર રહેલા તમામ કર્મચારીઓને બહારના કોઇ મુલાકાતીને મળવાનો પણ ઇન્કાર કરી દેવામાં આવ્યો છે.
રાજ્યના સામાન્ય વહીવટ વિભાગના અગ્રસચિવ કમલ દાયાનીએ પરિપત્ર જાહેર કરી જણાવ્યું છે કે જીવરાજ મહેતા ભવન, નવું સચિવાલય, વિધાનસભા તેમજ બોર્ડ-કોર્પોરેશનની વિવિધ કચેરીઓમાં કામ કરતાં અને કોરોના પોઝિટીવ વિસ્તારમાં રહેતા કર્મચારીઓને ફરજ પર બોલાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
એટલે કે જે કર્મચારીઓ અમદાવાદથી ગાંધીનગરની કચેરીઓમાં આવે છે તેમને કહેવામાં આવ્યું છે કે તેમણે વર્ક ફ્રોમ હોમ કરવાનું રહેશે. તેમને ગાંધીનગર લાવવામાં નહીં આવે. ગઇકાલે નર્મદા નિગમની કચેરીમાં અમદાવાદથી સહી કરવા આવેલા એક કર્મચારીને કોરોના પોઝિટીવ આવતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
વિભાગના ઉચ્ચ અધિકારી રાજીવકુમાર ગુપ્તાએ કહ્યું હતું કે આ કર્મચારીને પોઝિટીવ આવ્યા પછી નર્મદા નિગમમાં તે કોને મળ્યો હતો તેની તપાસ કરવામાં આવી હતી. તે કોઇ ઇલાબેન નામની મહિલા કર્મચારીને મળ્યો હોવાથી ઇલાબેનનો ટેસ્ટ કરાવ્યો હતો, જો કે તે નેગેટીવ આવ્યો છે.
બીજી તરફ કમલ દાયાનીએ કહ્યું છે કે ગાંધીનગરમાં આવેલી સરકારી કચેરીઓમાં 3જી મે સુધી અમદાવાદના કર્મચારીઓએ ગાંધીનગર આવવું નહીં. ખાસ કરીને અમદાવાદના હોટસ્પોટ, કન્ટેન્મેન્ટ ઝોન તેમજ રેડ ઝોનમાં રહેતા કર્મચારીઓ માટે આદેશ આપવામાં આવ્યા છે.