ગુજરાત કોંગ્રેસના પ્રમુખ બનતાવેંત જ જગદીશ ઠાકોરે ગુજરાતી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કેટલીક સટીક વાતો કરી છે. તેમણે કોંગ્રેસના સંગઠનથી લઈને અનેક બાબતો પર પોતાની વાત કરી હતી. જગદીશ ઠાકોરે કોંગ્રેસની જૂથબંધીથી લઈને આવનારી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ મક્કમ અને આક્રમક્તાથી પ્રચાર કરશે અને ભાજપ સરકારન નિષ્ફળતાને લોકો સુધી પહોંચાડવાનું જણાવ્યું હતું.
સમગ્ર ઈન્ટરવ્યુમાં ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું કે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ મેનેજમેન્ટ ગુરુ છે. તેમણે સમાજિક રીતે તમામ લોકો માટે કામો કર્યા છે. જો તેઓ કોંગ્રેસમાં જોડાશે તેમના માટે રેડ કાર્પેટ પાથરવામાં આવશે. કોંગ્રેસમાં તેમનું સ્વાગત કરવામાં આવશે.
તેમણે જણાવ્યું કે હાર્દિક પટેલ નવ મહિના જેલમાં રહ્યો. ગુજરાત નહીં છોડવાથી લઈ તેમના પર અનેક કેસ કરવામાં આવ્યા. હેરાન કરી દેવામાં આવ્યો પણ એ માણસ જરા પણ ઝૂક્યો નહીં અને ભાજપનો સામનો કર્યો. હાર્દિક પટેલ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ છે અને હાલ રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસના પ્રચારમાં લાગ્યા છે. જિજ્ઞેશ મેવાણી પણ કોંગ્રેસ માટે સતત પ્રચાર કરી રહ્યા છે. પાર્ટી દ્વારા સમયાંતરે તેમને માન અને સન્માન આપવામાં આવી રહ્યા છે.
તેમણે ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યું કે ગુજરાતમાં ભાઉ સુપર સીએમ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે કોઈ નિર્ણય લઈ શકે છે તે પ્રશ્ન ઉભો થાય છે. ભાજપમાં પેજ પ્રમુખ બનાવવાની વાત ખોટી છે. જે કાર્યકારોએ વર્ષો સુધી ભાજપ માટે કામ કર્યું તેવા કાર્યકરોની નારાજગીને દુર કરવા માટે પેજ પ્રમુખના ધખારા કરવામાં આવ્યા છે. ભાજપના કાર્યકારોમાં ભારે નારાજગી છે. જે લોકો ભૂતકાળમાં સ્ટેજ પર બેસતા હતા તે લોકોને આજે સ્ટેજની સામે બેસવાનો વારો આવ્યો છે અને અન્ય લોકોને સ્ટેજ બેસાડવામાં આવે છે. ભાજપમાં આના કારણે અસંતોષ અને ગુસ્સો વધી રહ્યો છે.
તેમણે કહ્યું કે ચૂંટણી માટે કોંગ્રેસ સજ્જ છે. અનેક પ્રલોભો અે લાલચો આપવામાં આવી હોવા છતાં કોંગ્રેસના કાર્યકરો, ધારાસભ્યોએ પાર્ટીની વફાદારી બતાવી છે. તેવા તમામ ધારાસભ્યોને ટીકીટનાં અગ્રીમતા આપવામાં આવશે. પાર્ટી પ્રત્યેની વફાદારીને ચોક્કસપણે ગણતરીમાં લેવામાં આવશે. ક્યાંક કોઈ અસંતોષ ઉભો થશે તો તેને દુર કરવા માટે સમાધાનકારી વલણ અપનાવવામાં આવશે.