ગાંધીનગર ગુજરાતમાં લોકડાઉનની સ્થિતિમાં કેટલીક છૂટછાટ આપવામાં આવતાં ધીમે ધીમે ઉદ્યોગો શરૂ થઇ રહ્યાં છે. સોશ્યલ ડિસ્ટન્સિંગ સાથે સલામતીના પગલાં લેવાની શરતે તેમને આ પરવાનગી આપવામાં આવી છે. હવે 25મી એપ્રિલથી જે ઉદ્યોગો નિકાસ કરી રહ્યાં છે તેમને મંજૂરી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
એકસપોર્ટના ઓર્ડર હોય તેવા એકમો-ઊદ્યોગો મ્યુનિસિપલ લિમિટમાં હોય અને કંટેનમેન્ટ જાહેર થયેલા વિસ્તાર બહાર કાર્યરત હોય તેવા ઊદ્યોગોએ જિલ્લા કલેકટર પાસેથી ઊદ્યોગ શરૂ કરવા મંજૂરી મેળવવાની રહેશે. આ ઉદ્યોગોને સોશિયલ ડિસ્ટન્સીંગ અને કોરોના સંક્રમણ નિયંત્રણના દિશાનિર્દેશોનું પાલન કરવાની શરત સાથે મંજુરી અપાશે.
મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે રાજ્યમાં 35000 ઉદ્યોગ એકમો કાર્યરત કરવામાં આવ્યા છે જેમાં 3.25 લાખ શ્રમિકો-કામદારોને રોજી-રોટી મળતી થઇ છે. લોકડાઉનની સ્થિતિમાં સામાન્ય માનવી રોજનું કમાઇ રોજ ખાનારા નાના સ્વરોજગારકારો પ્લમ્બર-કારપેન્ટર-ઇલેકટ્રીશ્યન-મોટર રિપેરીંગ-ઓટો મીકેનિકને કામકાજ શરૂ કરવા દેવા જિલ્લા કલેકટરોને સૂચના આપવામાં આવી છે.
મુખ્યમંત્રીએ રાજ્યના અંત્યોદય, ગરીબ વર્ગના 66 લાખ પરિવારો જે NFSA અન્વયે દર મહિને સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનોએથી અનાજ મેળવવા પાત્રતા ધરાવે છે તેવા લોકો-પરિવારો માટે વધુ નિર્ણય કર્યો છે. આ કાર્ડધારકો-પરિવારોના 3.25 કરોડ લોકોને આગામી શનિવાર, 25મી એપ્રિલથી વ્યકિતદીઠ 3.50૦ કિલો ઘઉં અને 1.50૦ કિલો ચોખા વિનામૂલ્યે રાજ્ય સરકાર તરફથી વિતરણ કરાશે.
આ નિર્ણય અંગે તેમણે જણાવ્યું કે, આવા કાર્ડધારકોને 17 હજારથી વધુ સસ્તા અનાજની દુકાનો પરથી આ અનાજ વિતરણ 25 થી 29 એપ્રિલ દરમ્યાન કરવામાં આવશે. તદ્દઅનુસાર, જે NFSA કાર્ડધારકોના રેશનકાર્ડના છેલ્લા આંકડા 1 અને 2 છે તેવા ધારકોને 25 એપ્રિલે, 3 અને 4 છેલ્લા આંકડા ધરાવતા કાર્ડધારકોને 26 એપ્રિલે, 5 અને 6 છેલ્લા અંક ધરાવતા કાર્ડધારકને 27 એપ્રિલે, 7 અને 8 અંક ધારકોને 28 એપ્રિલ તેમજ 9 અને 0 છેલ્લો અંક હોય તેવા NFSA કાર્ડધારકોને 29 એપ્રિલે અનાજ મળી શકશે. આ અનાજ વિતરણ દરમ્યાન પણ ભીડભાડ ન થાય તેમજ સોશિયલ ડિસ્ટન્સીંગ નોર્મ્સ જળવાય તેની તકેદારી રાખવાની સૂચનાઓ આપવામાં આવી છે.
રૂપાણીએ પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતીમાં નાના-નાના સ્વરોજગાર દ્વારા રોજગારી મેળવતા અને જીવનજરૂરી સેવાઓ સાથે સંકળાયેલા લોકોને રોજગારી મળી રહે તે માટે પણ મહત્વનો નિર્ણય કર્યો છે. આવા સ્વરોજગારી સાથે જોડાયેલા પ્લમ્બર, કારપેન્ટર, ઇલેકટ્રીશ્યન, મોટર રિપેરીંગ-ઓટો મિકેનીકને પોતાનું કામકાજ શરૂ કરવા દેવા જિલ્લા કલેકટરોને સૂચનાઓ આપી દેવામાં આવી છે. રાજ્યમાં નગરો-મહાનગરોની હદ બહારના ગ્રામ્ય વિસ્તારોમાં 20 એપ્રિલથી ઉદ્યોગ એકમો ફરી શરૂ કરવાની પરવાનગીઓ ભારત સરકારના નિયમોને આધિન આપવાની થયેલી શરૂઆત અંતર્ગત ગુજરાતમાં 35000 એકમો કાર્યરત થયા છે.