ગાંધીનગર- ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં કોંગ્રેસના ધારાસભ્યો ઉદેપુર ગયા છે ત્યારે તેમની ખાલી બેઠકો પર ભાજપના ધારાસભ્યોએ ચઢાઇ કરી છે. આ બેઠકો હાલ તો પચાવી લીધી છે, કારણ કે સભાગૃહમાં કોંગ્રેસનો એકપણ ધારાસભ્ય ઉપસ્થિત નથી.
રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસવોટીંગના ભયના કારણે કોંગ્રેસના ધારાસભ્યોને રાજસ્થાનના જયપુરના એક રિસોર્ટમાં લઇ જવામાં આવ્યા છે તેથી તેઓ વિધાનસભામાં હાજરી આપી શકતા નથી. બીજી તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બજેટ સત્ર ચાલુ રાખ્યું છે ત્યારે ભાજપના ધારાસભ્યોને અલગ અલગ બેસવાની સૂચના આપી દીધી છે એટલે કોંગ્રેસની ખાલી બેઠકો પર ભાજપના ધારાસભ્યો બેસીને કાર્યવાહીમાં ભાગ લઇ રહ્યાં છે.
કોરોના વાયરસની અસર ગુજરાત વિધાનસભા ગૃહમાં પણ જોવા મળી છે. આજે ગૃહની કાર્યવાહી દરમ્યાન ભાજપના ધારાસભ્યો ગૃહની અંદર અલગ-અલગ બેઠાં હતા. ભાજપના સભ્યો કોંગ્રેસના સભ્યોની બેઠક વ્યવસ્થા પર બેસી ગયા હતા.
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધારાસભ્યોને સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવાની અપીલ કર્યા બાદ ભાજપના ધારાસભ્યો ગૃહમાં અંતર રાખીને બેઠેલા જોવા મળ્યા છે. જો કે આ અંગે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ હળવી કોમેન્ટ કરતા કહ્યું કે કોંગ્રેસની બેઠક પર ભાજપના સભ્યો બેઠા છે તે જોતાં એવું લાગી રહ્યું છે કે વર્ષ 2022ની ચૂંટણીમાં ભાજપનો વિજય થવાનો છે.