ગાંધીનગર- ગુજરાતના ખેડૂતોને રાજ્ય સરકારે સહાય કરી છે. કોરોના સંક્રમણના સમયે ખેડૂતોને મુશ્કેલી ના પડે તે હેતુથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના 40 લાખ ખેડૂતોને તેમના ખાતામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 800 કરોડ રૂપિયા જમા કરાવ્યા છે.
મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસો વધતા જાય છે. હાલ લોડડાઉનની સ્થિતિ વચ્ચે સરકારે ખેડૂતોને સહાય કરવાનો નિર્ણય લીધો અને તેમના બેન્ક ખાતામાં રૂપિયા જમા કરાવ્યા છે. મુખ્યમંત્રીએ બીજો એક મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણયમાં કોરોના સબંધિત ફરજ પર રાજ્યના કોઇપણ કર્મચારીનું મૃત્યુ થશે તો સરકાર તેમના પરિવારને 25 લાખ રૂપિયાની સહાય ચૂકવશે.
અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અન્વયે અત્યાર સુધીમાં 40 લાખથી વધુ ખેડૂત ખાતેદારોના બેન્ક એકાઉન્ટમાં ચાલુ નાણાંકીય વર્ષની સહાયના પ્રથમ હપ્તાની એડવાન્સ રકમ તરીકે પ્રત્યેક ખેડૂત ખાતેદારને 2000 રૂપિયાની સહાય પેટે 800 કરોડ જેટલી રકમ કેન્દ્ર સરકારે જમા કરાવી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દેશના દરેક ખેડૂત ખાતેદારને વર્ષ દરમ્યાન ત્રણ હપ્તામાં કુલ 6000 રૂપિયાની સહાય ભારત સરકાર આપે છે.
પ્રવર્તમાન કોરોના અને લોકડાઉનની સ્થિતીમાં દેશભરના 4.91 કરોડ ખેડૂત ખાતેદારોને રાહત આપતા 2000 રૂપિયાના પ્રથમ હપ્તા પેટે કુલ 62000 કરોડની સહાય રકમ આપવામાં આવી રહી છે. ગુજરાતના ખેડૂતોને પણ તેનો લાભ આપવામાં આવ્યો છે.
અશ્વિનીકુમારે કર્મચારીઓ અંગેના નિર્ણયની માહિતી આપતાં કહ્યું હતું કે મુખ્યમંત્રીએ અગાઉ રાજ્યના પોલીસ કર્મીઓ માટે અને ત્યાર બાદ નગરપાલિકા મહાનગરપાલિકાના સફાઈ અને આરોગ્ય કર્મીઓ, રેવન્યુ મહેસૂલી કર્મચારીઓ તેમજ અન્ન નાગરિક પુરવઠા વિભાગ અને સરકાર માન્ય સસ્તા અનાજના દુકાનધારકોને કોરોના વાયરસ સંદર્ભની ફરજ સેવા દરમ્યાન મૃત્યુના કિસ્સામાં 25 લાખની સહાય આપવાની જાહેરાત કરી હતી.
હવે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સરકારની સેવાના કરાર આધારિત, ફિકસ પગારના કર્મીઓ સહિત કોઈપણ કર્મચારીનું કોરોના વાયરસ સંદર્ભની ફરજ કામગીરી દરમ્યાન કોરોનાની અસરથી મૃત્યુ થાય તો તેમના પરિવારને પણ 25 લાખ રૂપિયાની સહાય આપવાનો નિર્ણય લીધો છે.