ગાંધીનગર—ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ રાજ્યના ખાનગી તબીબોને કોરોના સંબંધિત આરોગ્ય સેવાઓમાં પોતાનું યોગદાન આપવા અનુરોધ કર્યો છે. તેમણે કહ્યું છે કે કોરોના સંબંધિત તબીબી સેવાઓ આપવા ઈચ્છુક ખાનગી તબીબો પોતાના જિલ્લાના કલેક્ટરનો સંપર્ક કરી સેવા આપી શકે છે.
રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલ, દવાખાના, કોર્પોરેટ હોસ્પિટલ, ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ, ખાનગી મેડીકલ પ્રેક્ટિસ કરતા તમામ મેડીકલ પ્રેક્ટિશનર્સ, હોમિયોપેથિક, આયુર્વેદિક દવાખાના-હોસ્પિટલ તેમજ ખાનગી લેબોરેટરીમાં કોરોનાના લક્ષણો ધરાવતા શંકાસ્પદ દર્દી જણાય તો જે-તે તબીબે જિલ્લા કક્ષાએ જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં જે-તે મ્યુનિસિપલ કમિશનરને અથવા તેઓના દ્વારા અધિકૃત કરેલ વ્યક્તિ કે કચેરીને તાત્કાલિક જાણ કરવાની રહેશે.
જ્યંતિ રવિએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસ રોગની અટકાયત અંગે કરવામાં આવતી કામગીરીના અમલીકરણ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ રાજ્યકક્ષાએ ઉચ્ચ અધિકારીઓની વિવિધ ટીમ બનાવવામાં આવી છે. ઉપરાંત ઝોનલ કક્ષાએ સિનિયર આઇએએસ અધિકારીઓને નોડલ અધિકારી તરીકે નિમવામાં આવ્યા છે.
સરકારે અમદાવાદ અને ગાંધીનગર માટે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, વડોદરા માટે શિક્ષણવિભાગના સચિવ વિનોદ રાવ, સુરત માટે મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રિશનના કમિશનર એમએસ પટેલ અને રાજકોટ-ભાવનગર માટે ઉદ્યોગ કમિશનર ડૉ. રાહુલ ગુપ્તાની નિમણૂક કરવામાં આવી છે.