ગાંધીનગર- ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટીવ કેસો ક્યારે અટકશે તેવા પ્રશ્નના જવાબમાં રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો. જ્યંતિ રવિએ કહ્યું હતું કે પોઝિટીવ કેસો કાબૂમાં રહે તેના માટે ઉત્તમ ઉપાય અત્યારે લોકડાઉન છે. લોકો તેમના ઘરમાં જ રહેશે તો પોઝિટીવ કેસોને અમે નિયંત્રણમાં લાવી શકીશું, કારણ કે હવે લોકલ ટ્રાન્સમિશન શરૂ થયેલું છે.
રાજ્યમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 1284 સેમ્પલો લેવામાં આવ્યા હતા જે પૈકી 1275નું ટેસ્ટીંગ કરવામાં આવ્યું છે. આ કેસો પૈકી 69 પોઝિટીવ આવ્યા છે અને 1206 નેગેટીવ છે. હાલ નવ કેસો પેન્ડીંગ છે. કેન્દ્ર દ્વારા સેન્ટ્રલાઇઝ રીતે આંતરરાષ્ટ્રીય કક્ષાની પીપીઇ કીટ, માસ્ક અને દવાઓનો જથ્થો તમામ રાજ્યોની જેમ ગુજરાતને પણ આપવામાં આવ્યો છે.
રાજ્યમાં કોરાના વાયરસની સવારની અપડેટ આપતા ડો. જ્યંતિ રવિએ કહ્યું કે, રાજ્યમાં આજે 6 નવા પોઝીટીવ કેસો સાથે રાજ્યમા કુલ 69 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે, જેમાં અમદાવાદમાં 23, સુરતમાં 8, રાજકોટમાં 9, વડોદરામાં 9, ગાંધીનગરમાં 9, ભાવનગરમાં 6, ગીર સોમનાથમાં 2 અને કચ્છ, મહેસાણા, પોરબંદર પ્રત્યેકમાં એક-એક કેસ પોઝિટિવ છે. આ તમામ પૈકી 59 દર્દીઓ સ્ટેબલ છે અને માત્ર બે દર્દીઓ વેન્ટિલેટર પર છે.
દુર્ભાગ્યવશ કોરાના રોગના કારણે અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ છ નાગરિકોના નિધન થયા છે જેમાં અમદાવાદમા 3, ભાવનગરમાં ૨ અને સુરતમા ૧ નાગરિકનુ નિધન થયું છે. આજે જે પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં અમદાવાદના એક 38 વર્ષના પુરુષનો કેસ છે. જે અમેરિકાના વિદેશ પ્રવાસની હિસ્ટ્રી ધરાવે છે એજ રીતે ભાવનગરના ચાર પુરુષ અને એક મહિલાનો કેસ છે જે લોક્લ ટ્રાન્સમિશન ધરાવે છે. રાજ્યમાં બે દર્દીઓને 14 દિવસનો કોરંટાઇન પૂર્ણ થતા તેમના પ્રોટૉકોલ મુજબ પુન:ટેસ્ટ કરતાં નેગેટિવ આવ્યા છે અને તેમને ડિસ્ચાર્જ પણ આપી દેવાયું છે.
તેમણે કહ્યું કે હાલ 18,701 હોમ ક્વોરન્ટાઇન, 744 સરકારી અને 172 ખાનગી મળી કુલ 19,617 લોકો ક્વોરન્ટાઇન હેઠળ છે. રાજ્યમા હોમ ટૂ હોમ અને ટેલીફોનિક સર્વેલન્સ હેઠળ અત્યાર સુધીમાં 5.90 કરોડ નાગરિકોનું સર્વેક્ષણ અને ટ્રેકિંગ પૂર્ણ કરવામાં આવ્યું છે.
રાજ્યના જે વિસ્તારોમાં પોઝિટીવ કેસો જણાયા છે તેવા વિસ્તારોમા કોઈપણ પ્રકારની મૂવમેન્ટ ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. આ દર્દીઓ સહિત તેમના ફેમિલી અને તેમના સંપર્કમાં આવેલા તમામ વ્યક્તિઓની ફરીથી ચકાસણી પણ કરવાનું શરૂ કરી દેવાયું છે. ઉપરાંત આ વિસ્તારોમાં જે નાગરીકો સરકારી કે ખાનગી તબીબો પાસે સારવાર લઇ રહ્યા છે તેમની માહિતી મેળવીને તેમના પણ ટેસ્ટિંગ કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. આવા વિસ્તારોમા વસતા વૃદ્ધ અને વયસ્કોનું પરિક્ષણ કરી ખાસ કાળજી લેવાશે.