ગાંધીનગર- ગુજરાતમાં કોરોના વાયરસનો ઉપદ્રવ વધતો જાય છે. રાજ્યમાં એક મોત સાથે પોઝિટીવ કેસનો કુલ આંકડો વધીને 29 થયો છે. સૌથી વધુ 13 કેસ અમદાવાદમાં નોંધાયા છે. બીજાક્રમે વડોદરામાં છ કેસ સામે આવ્યા છે. આશ્ચર્ય સાથે ગાંધીનગરમાં પણ પોઝિટીવ કેસનો આંકડો 4 થયો છે.
સુરતમાં એક મોત સાથે હાલ પોઝિટીવ કેસોની સંખ્યા ચાર જોવા મળી છે. મહત્વની બાબત એવી છે કે કોરોનાના ત્રીજા તબક્કામાં હવે લોકલ ટ્રાન્સમિશન વધતું જાય છે. સ્થાનિક માનવી થી માનવીને ચેપ લાગ્યાના પાંચ કેસ સામે આવ્યા છે તેથી વધારે તકેદારી રાખવાની હિમાયત રાજ્યના આરોગ્ય વિભાગે કરી છે. જનતા કરફ્યુ પછી પણ કોરોના અસરગ્રસ્ત વિસ્તારો પૈકી અમદાવાદ અને ગાંધીનગરમાં કેસ વધ્યાં છે.
રાજ્યના અન્ય વિસ્તારો પૈકી રાજકોટ અને કચ્છમાં માત્ર એક-એક કેસ છે જેમાં કોઇ વધારો થયો નથી. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સાવધાની રાખવાની અપીલ કરી છે. જાહેર સમારંભો કે જાહેર સ્થળોએ વધુ લોકોના ભેગા થવા પર તકેદારી રાખવા માટે સૂચન કર્યું છે. દરમ્યાન અમદાવાદના ખાડિયામાં સાંજે પાંચ વાગ્યા પછી જે સરઘસ કાઢવામાં આવ્યું હતું તેમાં કુલ 19 લોકોની અટકાયત કરી છે.
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થાય ત્યારે કામકાજ સલાહકાર સમિતિની બેઠક બાદ સત્ર ટૂંકાવાની જાહેરાત થઇ શકે છે, એ સાથે રાજ્યના મુખ્યમંત્રી ઉચ્ચ અધિકારીઓ સાથે કોરોના વાયરસના અપડેટ્સ બાબતે બેઠક કરે અને સલામતી માટેના વધુ કેટલાક નિર્ણયો કરે તેવી સંભાવના છે. ગુજરાતના કોરોના પ્રભાવિત વિસ્તારોમાં લોકડાઉન લંબાવવામાં પણ આવે તેમ મનાય છે.