હાલ પાંચ રાજ્યોની ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. યુપી, પંજાબ, ગોવા, ઉત્તરાખંડ અને મણિપુરમાં ચૂંટણી આવી રહી છે. પાંચેય રાજ્યોમાં ફેબ્રુઆરી-માર્ચમાં ચૂંટણી યોજવામાં આવશે, આ માટે કોંગ્રેસ સહિતના પક્ષો ચૂંટણી મેદાનમાં ઉતરવાના છે. પાંચ રાજ્યો બાદ તરત જ નવેમ્બર-ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને કોંગ્રેસ હાઈકમાન્ડ હવે ગુજરાત માટે પણ આગોતરા તૈયારીઓ કરી રહ્યું છે.
પંજાબમાં કોંગ્રેસે અનેક દિગ્ગજ નેતાઓને ઝટકો મળે તેવો નિર્ણય કર્યો છે. પરિવારમાંથી માત્ર એક જ વ્યક્તિને ટીકીટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પંજાબના મુખ્યમંત્રી ચન્ની પણ પોતાના ભાઈ માટે ટીકીટ માંગી રહ્યા હતા પણ આ નિર્ણયથી તેમને પણ ફટકો પડ્યો છે. પંજાબની ફોર્મ્યુલા અન્ય રાજ્યોમાં પણ કોંગ્રેસ લાગુ કરી શકે છે અને આમાં ગુજરાતનો પણ સમાવેશ થઈ શકે છે.
હાલ ગુજરાતમાં કોંગ્રેસે એક કે બે વખત પ્રમુખ બન્યા હોય તેવા નેતાઓને પ્રમુખ નહી બનાવવાનો નિર્ણય કર્યો અને જગદીશ ઠાકોરના શિરે કોંગ્રેસ પ્રમુખનો તાજ આવ્યો છે. ગુજરાત પર કોંગ્રેસની વિશેષ નજર રહેલી છે. કારણ કે ગુજરાતમાં કોંગ્રેસ પાછલા 25 વર્ષથી સત્તાથી વિમુખ છે અને અહીંયા કોંગ્રેસ અને ભાજપની સામે અત્યાર સુધી અન્ય કોઈ પણ પક્ષ મોટો પડકાર બની શક્યો નથી. આમ આદમી પાર્ટી ભાજપ-કોંગ્રેસના ગઢમાં ફાચર મારવા પ્રયાસો કરી રહી છે અને તેમાં આપ કેટલી સફળ થાય છે તે ચૂંટણી બાદ જ ખબર પડશે.
જો કોંગ્રેસ વિધાનસભામાં પણ એક કરતાં બે-કે ત્રણ વખત ચૂંટણી લડ્યા હોય અને હારી ગયા હોય તેના નેતાઓને ટીકીટ નહીં આપવાનો નિર્ણય કરે છે અનેક નેતાઓની ટીકીટ જોખમમાં મૂકાઈ શકે છે. કોંગ્રેસમાં આવા અનેક નેતાઓ છે કે જેઓ અનેક વાર ચૂંટણી લડ્યા છે અને હાર્યા પણ છે. સાથો સાથ તેમના કહેવાથી જેમને ટીકીટ આપવામાં આવી હોય તેના ઉમેદવારો પણ બેથી ત્રણ વખત ચૂંટણી હારી ચૂક્યા છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ નવા ચહેરા પર ભાર મૂકી શકે છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ પોતાના ઘરને પણ સરખું કરવા લાગી ગઈ છે. પ્રદેશના હોદ્દેદારોના માળખા સહિત જિલ્લા અને શહેરના માળખા માટે જાન્યુઆરી મહિનામાં જ જાહેરાત કરી દેવામાં આવે તેવી શક્યતા છે. આ માટે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર કોર કમિટી સાથે સતત મીટીંગો કરી રહ્યા છે.