ગાંધીનગર- ભારતની પાર્લામેન્ટને સ્થગિત કરવામાં આવ્યા પછી ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ વિધાનસભાનું સત્ર સ્થગિત કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. કોરોના વાયરસના પોઝિટીવ કેસોની સંખ્યા વધતાં અને ગાંધીનગરમાં પણ ચાર પોઝિટીવ કેસો હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રને સ્થગિત કરી દેવામાં આવ્યું છે. ભાજપના ધારાસભ્યોને રાહત થઇ છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સભાગૃહમાં દરખાસ્ત રજૂ કરી હતી જેને સંસદીય બાબતોના રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ટેકો આપતાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાતમાં કોરોના વાયરસના 30 કેસો અને એક વ્યક્તિના મોત પછી રાજ્ય વિધાનસભાનું બજેટ સત્ર તો મુલતવી રાખવામાં આવ્યું છે પરંતુ હવે 26મી માર્ચે રાજ્યસભાની યોજનારી ચૂંટણી મુલત્વી રહે તેવી સંભાવના છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસો પૈકી ગાંધીનગર અને અમદાવાદમાં કેસો વધતાં સરકારે વિચારણા કરીને સત્ર મુલત્વી રાખવાનો નિર્ણય કર્યો છે.
રાજ્યના અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર અને કચ્છ શહેર અને જિલ્લામાં 31મી માર્ચ સુધી લોકડાઉન કરવામાં આવ્યા છે. આ સંજોગોમાં વિધાનસભામાં પણ લોકો એકત્ર થાય નહીં અને અધિકારીઓ કોરોના વાયરસ અંતે જાહેર જનતાની સેવા કરી શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
વિપક્ષના નેતા પરેશ ધાનાનીએ ગયા સપ્તાહમાં સભાગૃહમાં દરખાસ્ત લાવીને અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને એવી વિનંતી કરી હતી કે કોરોના વાયરસના ભયના કારણે વિધાનસભામાં એકત્ર થતી ભીડને રોકવા માટે બજેટ સત્ર ટૂંકાવામાં આવે પરંતુ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની દલીલોના અંતે અધ્યક્ષે વિપક્ષી નેતાની દરખાસ્ત ફગાવી દીધી હતી અને સત્ર ચાલુ રાખવાની જાહેરાત કરી હતી. જો કે કોંગ્રેસે દરખાસ્તનો સ્વિકાર નહીં થતાં વિધાનસભામાંથી વોકઆઉટ કર્યો હતો.
વિપક્ષી નેતાની દરખાસ્ત સભાગૃહમાં આવી ત્યારે ગુજરાતમાં કોરોના વાયરસનો એકપણ પોઝિટીવ કેસ ન હતો તેથી રાજ્ય સરકારે પુરતાં પગલાં લેવામાં આવ્યા છે તેવી દલીલ કરીને આ દરખાસ્તનો વિરોધ કર્યો હતો. જો કે હવે રાજ્યમાં 30 કેસો પોઝિટીવ છે અને ગાંધીનગરમાં પણ ચાર કેસો પોઝિટીવ હોવાનું ધ્યાને લઇને રાજ્ય સરકારે સત્ર સ્થગિત કરવાની સૂચના આપી છે. હવે સરકારે રાજ્યસભાની ચૂંટણીને પણ રદ્દ કરવા માટે ભારતના ચૂંટણી પંચને રજૂઆત કરવાનું નક્કી કર્યું છે.