ગાંધીનગર- ગુજરાતમાં ટેક્સી કેબ હવે નહીં ચાલે. સરકારે જાહેરનામું બહાર પાડીને પ્રતિબંધ મૂક્યો છે. કોરોના વાયરસનો ચેપ ફેલાય નહીં તે માટે પ્રાઇવેટ વાહનો પર નિયંત્રણ લાગુ કરી દેવામાં આવ્યા છે. ગુજરાતમાં રાજ્ય બહારની બસો પણ આવી શકશે નહીં. પેસેન્જર બસો પણ નહીં આવી શકે. આ જાહેરનામું ગુજરાતની બસોને પણ લાગુ કરવામાં આવશે.
તાજેતરમાં ભારત દેશમાં કોરોના વાયરસને સંક્રમણને નિયંત્રણમાં રાખવા ગુજરાત સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય દ્વારા 31મી માર્ચ સુધી અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ગુજરાતમાં આવતી પેસેંજર બસો , ટેક્ષી કેબ અને મેક્ષી કેબ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ નિર્ણયથી ગુજરાત રાજ્ય બહારથી આવતી તમામ પેસેંજર બસો , ટેક્ષી કેબ અને મેક્ષી કેબ ગુજરાત રાજયમાં આજથી પ્રવેશી શકશે નહીં આ ઉપરાત ગુજરાત રાજ્યમાં નોંધાયેલ ગુજરાત પર્મિંગ પેસેન્જરો બસો , ટેક્ષી કેબ અને મેક્ષી કેબ દ્વારા 31મી માર્ચ સુધી રાજ્યની અંદર પણ મુસાફરોની હેરફેર કરી શકશે નહિં. પ્રાઇવેટ વાહનો પર પણ તકેદારી રાખવામાં આવી રહી છે.
કોરોના વાયરસના નિયંત્રણની કામગીરીમાં રોકાયેલી ઈમરજન્સી મેડિકલ સવિર્સિસ અને અંગત વપરાશ માટેના વાહનો , અને સરકારી ફરજમાં રોકાયેલા વાહનોને આ નિર્ણયથી મુક્તિ આપવામાં આવેલ છે. ગુજરાત રાજ્યમાં દરરોજ મહારાષ્ટ્ર , રાજસ્થાન અને મધ્ય પ્રદેશની પેસેંજર બસો દ્વારા મોટી સંખ્યામાં મુસાફરોની હેરફેર થાય છે. આ હેરફેરથી કોરોના વાયરસને નિયંત્રણમાં લેવા માટે ગુજરાત સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.