2 સપ્ટેમ્બરના રોજ ભાદરવા પૂનમ તિથિથી એટલે આજથી પિતૃપક્ષ શરૂ થઇ રહ્યો છે. આ પક્ષ 17 દિવસ સુધી ચાલશે. આ દિવસોમાં પિતઓને પિંડદાન, શ્રાદ્ધ, તર્પણ વગેરે કર્મ કરવામાં આવે છે. ખાસ કરીને કાગડા, ગાય અને કૂતરાને ભોજન આપવાની, ચોખાના બનેલાં પિંડનું દાન કરવાની પરંપરા છે. શ્રાદ્ધ પક્ષ અંગે અનેક પ્રકારની માન્યતાઓ પ્રચલિત છે. બિહારના ગયામાં પિંડદાન, શ્રાદ્ધ કર્મ કરવાનું વિશેષ મહત્ત્વ છે.
કાગડા, ગાય અને કૂતરાને ભોજન કેમ?
બધા જ પિતૃઓનો વાસ પિતૃલોક અને થોડાં સમય માટે યમલોક પણ રહે છે. પિતૃપક્ષમાં યમ બિલ અને શ્વાન બલિ આપવાનનું વિધાન છે. યમબલિ કાગડાને અને શ્વાન બલિ કૂતરાને ભોજન સ્વરૂપે આપવામાં આવે છે. કાગડાને યમરાજનો સંદેશાવાહક માનવામાં આવે છે. યમરાજ પાસે બે શ્વાન એટલે કૂતરા છે. તેના જ કારણે કૂતરા અને કાગડાને ભોજન આપવામાં આવે છે. ગાયમાં બધા દેવી-દેવતાઓનો વાસ છે. જેના કારણે ગાયને પણ ભોજન આપવામાં આવે છે.
શ્રાદ્ધમાં ખીર-પૂરી કેમ ખવડાવવામાં આવે છે?
પિતૃપક્ષમાં પકવેલું અનાજ દાન કરવાનું વિશેષ મહત્ત્વ છે. ખીરને પાયસ અન્ય માનવામાં આવે છે. પાયસને પ્રથમ ભોગ માને છે. તેમાં દૂધ અને ચોખાની શક્તિ હોય છે. ધાન એટલે ચોખા એવું અનાજ છે, જે જૂના થવાથી પણ ખરાબ થતું નથી. જેટલાં જૂના હોય છે, તેટલાં જ સારા માનવામાં આવે છે. ચોખાના આ ગુણના કારણે તેને જન્મથી મૃત્યુ સુધીના સંસ્કારોમાં સામેલ કરવામાં આવે છે. એટલે પિતૃઓને ખીરનો ભોગ ધરાવાય છે. ભારતીય સમાજમાં ખીર-પૂરી મોટાભાગે વિશેષ તિથિ-તહેવાર ઉપર બનતું પકવાન છે. પિતૃપક્ષ પણ પિતૃઓનો તહેવાર છે. એવું માનવામાં આવે છે કે, આ દિવસોમાં પિતૃઓ આપણાં ઘરે પધારે છે. એટલે તેમના સત્કાર માટે ખીર-પૂરી બનાવવામાં આવે છે.