ગાંધીનગર – કોરોના સંક્રમણના સમયમાં લક્ષણો નહીં ધરાવતા પોઝિટીવ કેસોમાં દર્દીઓને અલગ રીતે ટ્રીટ કરવામાં આવતા હોય છે. અમદાવાદમાં સમરસ હોસ્ટેલમાં આ દર્દીઓને ઇલાજ ચાલી રહ્યો છે. આ દર્દીઓને માત્ર આયુર્વેદિક અને હોમિયોપથી દવાઓ આપવામાં આવે છે. હાલ આ હોસ્પિટલમાં 75 દર્દીઓને કોવિડ કેર સેન્ટરમાં આયુર્વેદ આધારિત તૈયાર કરેલા ડાયટ પ્રમાણે આહાર પણ આપવામાં આવી રહ્યો છે.
રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ કહ્યું છે કે રોજ પ્રતિકારક શક્તિ વધારવા માટે ઘરઆંગણે પ્રાપ્ત થાય તેવા લીલાં ઔષધો અને ઘરગથ્થું ચીજવસ્તુઓનો ઉપયોગ લોકોએ કરવો જોઇએ. લીલાં ઔષધો જે ગ્રામ્ય વિસ્તારમાં વિપુલમાત્રામાં ઉપલબ્ધ છે તેમાં ગળો, તુલસી, અરડુસી, લીમડાનાં આંતરછાળ,આદુ અને હળદરનો પણ વધુને વધુ ઉપયોગ કરવો જોઇએ.
તેમણે કહ્યું કે કોવિડના સંક્રમણથી બચવા પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે દરેક વ્યક્તિએ વધુને વધુ પ્રયત્નો કરવા આવશ્યક છે તે માટે ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકા મુજબ રાજ્ય સરકાર દ્વારા આયુર્વેદિક ઉકાળા, સંશમની વટી અને હોમિયોપેથી દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
સમરસ હોસ્ટેલમાં કોવિડ પોઝિટીવ દર્દીઓને દરરોજ સંશમની વટી બે ગોળી દિવસમાં બે વખત સાત દિવસ સુધી આપવામાં આવે છે. તે ઉપરાંત દશમુલક્વાત, પથ્યાદિક્વાથ તથા ત્રિકટુ ચુર્ણ અપાઈ રહ્યું છે એટલું જ નહિ હોમિયોપેથી આર્સેનિકમ આલ્બમ 30 પોટેન્શી દવાઓ પણ અપાઈ રહી છે. આજ રીતે કોરન્ટાઈન કરાયેલા વ્યક્તિઓને પણ ઉપરોક્ત દવાઓ અપાઈ રહી છે