ગાંધીનગર ગુજરાતમાં ક્રાઇમ રેટમાં ચોંકાવનારો ઘટાડો થયો હોવાનું રાજ્ય પોલીસ કબૂલ કરે છે પરંતુ હમણાંથી ચોરીની કેટલીક ઘટનાઓ સામે આવી છે. આ ઘરફોડ ચોરી નથી પરંતુ નાની-નાની ચોરીઓ થઇ રહી છે. આ ચોરીઓ બંધ દુકાનો અને ગલ્લાઓમાં થાય છે. તસ્કરો માલામાલ થઇ રહ્યાં છે જ્યારે ગ્રાહકો લૂંટાઇ રહ્યાં છે. તમાકુના મસાલા, ખાવાની તમાકુ, સિગારેટ અને તમાકુની અન્ય બનાવટોની માંગ એટલી બધી વધી છે કે બજાર બંધ હોવાથી સ્ટોક નથી.
કોરોના વાયરસના કારણે ગુજરાત લોકડાઉન છે ત્યારે દુકાનો અને ધંધા-રોજગાર બંધ છે તેથી તસ્કરો ઘરમાં નહીં દુકાનોમાં ચોરી કરી રહ્યાં છે. લોકડાઉનમાં ખૂન, લૂંટ, બળાત્કાર, ઘરફોડ ચોરી, ઘાડ અને તેના જેવી ઘટનાઓ ઓછી થઇ છે. છેલ્લા બે મહિનાના ક્રાઇમરેટના આંકડા જોઇએ તો રાજ્યભરમાં વિવિધ ગુનાઓની સંખ્યામાં 75 ટકા જેટલો ઘટાડો થયો છે. રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા પણ આ હકીકતને સ્વિકારી રહ્યાં છે. તેઓ કહે છે કે ક્રાઇમ રેટ ઘટ્યો છે પરંતુ લોકડાઉન સબંધિત ગુનાઓ વધી રહ્યાં છે.
રાજ્યના વિવિધ જિલ્લા પોલીસ કચેરીઓના આંકડા પ્રમાણે ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધુ ગુના ઘટ્યાં છે પરંતુ શહેરી વિસ્તારમાં ગૃહકંકાસના ગુનાઓ વધી રહ્યાં છે. ગુજરાતમાં લોકડાઉનને અત્યારે 30 દિવસનો સમય થયો છે. આ દિવસોમાં ક્રાઇમરેટ ઘટ્યો છે. જો કે અમદાવાદ જેવા શહેરમાં નવી ચોરીઓની ઘટનાઓ સામે આવી છે. લોકડાઉન હજી 3જી મે સુધી ચાલવાનું છે અને બીજા 14 દિવસ લંબાય એ નિશ્ચિત નથી ત્યારે તમાકુની હોલસેલ દુકાનો તસ્કરોનું કેન્દ્ર બની છે.
અમદાવાદમાં જે ચોરીઓ થઇ રહી છે તેનાથી પોલીસને પણ આશ્ચર્ય થયું છે. શહેરના ખાનપુર, સોલા, ઘાટલોડિયા, સાબરમતી, ચાંદખેડા, વાડજ જેવા વિસ્તારોમાં પાનની દુકાનો અને ગલ્લામાંથી સિગારેટ અને તમાકુના સ્ટોકથી ચોરી થઇ રહી છે. ખાનપુરમાં પાન-બિડીની એક દુકાનમાંથી તસ્કરોએ 1.50 લાખ રૂપિયાની કિંમતના ગુટખા, તમાકુ અને સિગારેટનો જથ્થો ચોર્યો છે.
પોલીસના ચોપડે પાનના ગલ્લા કે દુકાનોમાં ચોરી થવાની ઘટનાઓ નાના નાના શહેરોમાં પણ બહાર આવી છે. પાલનપુર, મહેસાણા, પાટણ, ગાંધીનગર, વિસનગર, મહુવા, લીમડી જેવી જગ્યાએ પણ પાનના ગલ્લાના તાળાં તૂટ્યાં છે. સૌથી વધુ ટારગેટ પાન-સોપારી અને તમાકુની હોલસેલ દુકાનો બની છે. હોલસેલ દુકાનોમાં વધુ માલસામાન હોવાથી ચોરોએ તેને નિશાન બનાવી છે. તમાકુ અને સિગારેટના દામમાં અનેકગણો વધારો પણ થયો છે.
અમદાવાદમાં સિગારેટનું એક પેકેટ 250 રૂપિયે મળે છે. 138નંબરનો તમાકુનો મસાલો 30 થી 50 રૂપિયામાં વેચાય છે. સૌથી વધુ તેજી હોય તો તમાકુના વ્યવસાયમાં છે. છૂપી રીતે શહેરોમાં તમાકુ અને તેની બનાવટો પહોંચાડવામાં આવે છે. બુધાલાલ નામની એક ખાવાની તમાકુ સામાન્ય દિવસોમાં પાંચ રૂપિયાનું એક પેકેટ મળે છે જેનો ભાવ અત્યારે 20 રૂપિયા થયો છે. બ્લેકમાર્કેટમાં ચારગણો પ્રોફિટ વધી ગયો છે. તસ્કરો પાસે પણ કમાણીનું બીજું કોઇ સાધન નહીં હોવાથી મોટી દુકાનોમાંથી તમાકુ અને સિગારેટનો જથ્થો ચોરી છૂટક બ્લેકમાર્કેટીંગ કરતા તત્વોને આપી દેવામાં આવે છે.