કેનેડિયન ટેનિસ ખેલાડી બિયાન્કા એન્દ્રીસ્કૂએ શનિવારે રાત્રે અમેરિકાની દિગ્ગજ ખેલાડી સેરેના વિલિયમ્સને યુએસ ઓપન મહિલા સિંગલ્સની ફાઇનલમાં હરાવ્યા પછી કહ્યું હતું કે સેરેના જેવી દિગ્ગજ ખેલાડીને અટકાવવા મેં ભરપુર પ્રયાસ કર્યા અને તેમાં સફળ થઇ. હું ઇતિહાસ બનાવવા માગતી હતી. સેરેનાને ઇતિહાસ બનાવવાથી રોકવાનો મારો કોઇ ઇરાદો નહોતો. હું મારા સ્વપ્નને જીવવું હતુ, કારણ મેં હંમેશા સેરેના સામે ફાઇનલ રમવા સપનુ જોયું હતું હું દરરોજ આ સ્વપ્નને જીવતી હતી અને મારું માનવું છે કે સતત એ સપના પાછળ ભાગવાને કારણે હું તેને સાકાર કરી શકી.
યુએસ ઓપનના મેઇન ડ્રોમાં ડેબ્યુ કર્યા પછી ટાઇટલ જીતનારી બિયાન્કા પહેલી મહિલા
કેનેડાની 19 વર્ષિય મહિલા ખેલાડી બિયાન્કા એન્દ્રીસ્કૂએ 1968માં યુએસ ઓપન ટુર્નામેન્ટની શરૂઆત થયા પછી ઓપન એરામાં યુએસ ઓપનના મેઇન ડ્રો ટુર્નામેન્ટમાં ડેબ્યુ કર્યા પછી ટાઇટલ જીતનારી પહેલી મહિલા ખેલાડી બની છે. બિયાન્કાએ મોનિકા સેલેસના એ રેકોર્ડની પણ બરોબરી કરી લીધી છે કે જેમાં તેણે 1990માં પોચાનું ચોથુ ગ્રાન્ડસ્લેમ ટાઇટલ રમતાં જ ટાઇટલ જીત્યું હતું. બિયાન્કાએ અત્યાર સુધી પોતાની કેરિયરમાં 4 મેજર ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે.
યુએસ ઓપન ટાઇટલ જીતતા બિયાન્કા રેન્કિંગમાં મોટી છલાંગ લગાવશે
યુએસ ઓપનની ફાઇનલમાં દિગ્ગજ મહિલા ખેલાડી સેરેના વિલિયમ્સને હરાવનારી બિયાન્કા એન્દ્રીસ્કૂ હાલમાં ડબલ્યુટીએ રેન્કિંગમાં 15માં ક્રમાંકે છે અને યુએસ ઓપન ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીત્યા પછી હવે તે રેન્કિંગમાં 10 ક્રમની છલાંગ લગાવીને 5માં ક્રમે પહોંચી જશે. આ સિઝનમાં ટોપ રેન્કિંગની ટોચની 10 ખેલાડીઓ સામેનો બિયાન્કાનો રેકોર્ડ 8-0 હતો.