21 એપ્રિલના રોજ રામનોમ ઊજવવામાં આવશે એના પછીના દિવસે એટલે 22 એપ્રિલથી લગ્નની શરૂઆત થઈ રહી છે. આ દિવસે વર્ષનું બીજું અને મહિનાનું પહેલું લગ્નનું મુહૂર્ત રહેશે. 14 એપ્રિલે ખરમાસ પૂર્ણ થશે અને 17મીએ શુક્ર ગ્રહના ઉદય થયા પછી આ વર્ષે લગ્ન માટે 50 મુહૂર્ત રહેશે, જેમાં અક્ષય તૃતીયા અને દેવઊઠની એકાદશીનું વણજોયું મુહૂર્ત પણ સામેલ છે. એપ્રિલથી શરૂ થઈ રહેલી લગ્નની સીઝન 15 જુલાઈ સુધી રહેશે. એ પછી ચાતુર્માસ શરૂ થવાથી માંગલિક કાર્યો બંધ થઇ જશે. આ વર્ષે 20 જુલાઈના રોજ અષાઢ મહિનાના સુદ પક્ષની દેવશયની એકાદશી હોવાથી માંગલિક કાર્યો થઇ શકશે નહીં. પછી 15 નવેમ્બરના રોજ કારતક મહિનાના સુદ પક્ષની દેવઊઠની એકાદશીથી માંગલિક કાર્યો શરૂ થઇ જશે. મે અને જૂનમાં આ વર્ષે લગ્ન માટે વધારે મુહૂર્ત રહેશે. એપ્રિલથી જુલાઈ સુધી લગ્ન માટે કુલ 37 મુહૂર્ત રહેશે. એમાં સૌથી પહેલા 22 એપ્રિલના રોજ અને પછી 24થી 30 એપ્રિલ સુધી દરરોજ લગ્નનાં મુહૂર્ત રહેશે. આવતા મહિને એટલે મે મહિનામાં લગ્ન માટે સૌથી વધારે 15 દિવસ મળશે. પછી જૂનમાં 9 અને જુલાઈમાં 5 દિવસ લગ્નનાં મુહૂર્ત છે. એમાં 15 જુલાઈના રોજ છેલ્લું મુહૂર્ત રહેશે, કેમ કે 20 જુલાઈના રોજ દેવશયની એકાદશીથી લગ્ન જેવાં માંગલિક કાર્યો બંધ રહેશે. જુલાઈમાં દેવશયન થયા પછી 15 નવેમ્બરે દેવઊઠની એકાદશીએ લગ્નના મુહૂર્ત સાથે લગ્નની સીઝન ફરી શરૂ થઇ જશે. આ મહિને 15માંથી સાત દિવસ લગ્નનાં મુહૂર્ત રહેશે.
