સમગ્ર ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થયું છે. ચૂંટણીના પ્રચાર-પડઘમ શાંત થયા સરપંચ-સભ્ય બનવા ઇચ્છુક ઉમેદવારોએ મતદારોને રીઝવવા અંતિમ ઘડીનું જોર લગાવ્યું છે.
ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિધાનસભા જેવો માહોલ સર્જાયો છે. જીત માટે ઉમેદવારો દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું છે. બીજી તરફ સ્થાનિક ચૂંટણી તંત્ર દ્વારા મતદાનની પણ તમામ તૈયારી કરી લેવામાં આવી છે. ચૂંટણીમાં સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથક ઉપર પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોટવી દેવામાં આવ્યો છે. આજે પોલીસ તંત્ર દ્વારા અનેક જગ્યાએ ફલેગમાર્ચ કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ માટે 1120, સભ્યો માટે પ685 ઉમેદવારો મેદાનમાં છે. જેનું ભાવી રવિવારે મતપેટીમાં કેદ થનાર છે. તેમાં 3,73,859 સ્ત્રી અને 3,69,627 પુરૂષ મળી કુલ 7,43,486 મતદારો મતદાન કરનાર છે. ચૂંટણી માટે 7 હજારથી વધુ સ્ટાફને ફરજ સોંપવામાં આવી છે.
જામનગર જિલ્લાની 118 ગ્રામ પંચાયતોમાં સામાન્ય 10 ગ્રામ પંચાયતમાં પેટા અને એક ગ્રામ પંચાયતમાં મઘ્યસત્ર ચૂંટણી માટે તા.19/12ના મતદાન થશે.
સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પાર પાડવા માટે 56 ચૂંટણી અધિકારી, 1692 કર્મચારીઓ અને 552 જેટલા સુરક્ષા કર્મચારીઓની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સરપંચ પદ માટે 116 અને સભ્ય માટે 697 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. બે લાખ 6 હજાર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 43 ગ્રામ પંચાયતો સમરસ થતાં હવે 118 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાનાર છે.
જામનગર તાલુકાના 25 ગામમાં સામાન્ય, એકમાં મઘ્યસ્થ તથા ચાર ગામમાં પેટા ચૂંટણી છે. કાલાવડમાં 20 સામાન્ય અને એકમાં પેટા લાલપુરમાં 23માં સામાન્ય, એકમાં પેટા મળી 24 ગામમાં ચૂંટણી થશે. જામજોધપુરના 29 ગામમાં સામાન્ય અને ચારમાં પેટા ધ્રોલમાં 11 સામાન્ય ચૂંટણી તથા જોડીયામાં 10 ગામમાં સામાન્ય ચૂંટણી થશે.
ભાવનગર જિલ્લાના 10 તાલુકાના 18 પોલીસ સ્ટેશન વિસ્તારમાં 244 ગામોમાં ગ્રામ પંચાયત સામાન્ય/પેટા /મધ્યસત્ર ચૂંટણીનું મતદાન આવતીકાલ થનાર છે. આ ચૂંટણીમાં કુલ – 734 બુથ, 365- બિલ્ડિંગ પર પોલીસ, હથિયારી પોલીસ, હોમગાર્ડ/જી.આર.ડી.,એસ.આર.પી.નો બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે.જેમાં 1- એ.એસ.પી., 5 નાયબ પોલીસ અધિક્ષક,10 પોલીસ ઇન્સ્પેક્ટર, 35 પોલીસ સબ ઇન્સ્પેક્ટર, 811 પોલીસ,1304 હોમગાર્ડ/ જી.આર.ડી.,1- એસ.આર.પી. કંપની, 18- ક્યુ.આર.ટી., 4-સ્ટ્રાઇકિંગ ફોર્સ, 64-સેક્ટર પોલીસ મોબાઇલ તેમજ 31- વીડિયોગ્રાફર ફરજ બજાવશે.
244 ગામોની થાણા અધિક્ષક મારફતે વિઝીટ અને સંવેદનશીલ/અતિસંવેદનશીલ બેઠકોને આવરી લેતી ફ્લેગમાર્ચ કરવામાં આવેલ છે.ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 5,325 વ્યક્તિઓ ઉપર અટકાયતી પગલાઓ, 520 પરવાનાવાળા હથિયારો જમા લેવાં, 11,308 વાહનોનું ચેકિંગ, 463- હિસ્ટ્રીશીટરોનુ ચેકિંગ તથા લિસ્ટેડ બુટલેગરોની પ્રવૃત્તિ ઉપર 725 કેસો કરી રૂ. 8,89,615 નો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવેલ છે.
સુરેન્દ્રનગર જિલ્લાના 497 ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થતા સરપંચ પંદના 116 અને સભ્યપદના 1780 ઉમેદવારો બીન હરીફ સહિત 80 ગ્રામ પંચાયત સમરસ થઇ છે. જિલ્લામાં 390 ગ્રામ પંચાયતમાં ઉમેદવારો અને 1103 સભ્યપદ મળી કુલ 5092 ઉમેદવારો મેદાનમાં છે. આ ઉમેદવારોનું ભાવી 3,54,321 પુરૂષ અને 3,16,823 સ્ત્રી અન્ય 9 સહિત કુલ 6,71,223 મતદારો કરશે.
આગામી રવિવારે ગીરગઢડા ગામ તથા ગામડાની કુલ 44 ગ્રામ પંચાયતનાં સરપંચો અને વોર્ડની ચૂંટણીનું મતદાન યોજાવાનું છે. ત્યારે મતદારો શાંતિપૂર્વક નિર્ભય રીતે મતદાન કરી શકે તે માટે ગીરગઢડા ગામમાં પીએસઆઇ કલ્પનાબેન અઘેરા તથા પોલીસ જવાનોએ ફલેગમાર્ચ કરી લોકોને શાંતિપૂર્વક મતદાન કરવા અપીલ કરી હતી.
જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા દ્વારા જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 06 ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ 07, પોલીસ ઇન્સપેક્ટર, 31, પીએસઆઇ, 913, પોલીસ જવાનો,1284, જીઆરડી હોમગાર્ડ, 68 જેટલી હથિયાર ધારી એસઆરપી જવાનો સહિત સમગ્ર જીલ્લામાં આશરે 50, પોલીસ અધિકારીઓ તથા કુલ આશરે 2100, જેટલા પોલીસ,જીઆરડી,ઔહોમગાર્ડ, એસઆરપી, જવાનોનો જડબેસલાક બંદોબસ્ત ગોઠાવવામાં આવ્યો છે.
આગામી ગ્રામ પંચાયત ની ચુંટણી ને લઇ ને પોલીસ તંત્ર દ્વારા ફુટ પેટ્રોલીંગ હાથ ધરાયુ હતુ. ગોંડલ તાલુકા ની 58 ગ્રામ પંચાયત ની ચૂંટણી માં 5 ગ્રામ પંચાયત ને સંવેદનશીલ જાહેર કરાયા છે જેમા મોવિયા,હડમતાળા(કોલીથડ), નાગળકા,અનિડા ભાલોડી, મોટા ઉમવાડા નો સમાવેશ થાય છે. ગોંડલ તાલુકા પી.એસ.આઈ એમ.જે.પરમાર, ડી.પી.ઝાલા,મહિલા પી.એસ.આઈ સહિત ના પોલીસ કાફલા દ્વારા સડક પિપળીયા,વાછરા,તથા રુપાવટી મા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતુ.