ગાંધીનગર- કોરોના વાયરસને અટકાવવા માટે વિવિધ ગ્રુપ અલગ અલગ રીતે કામ કરી રહ્યાં છે ત્યારે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના સંશોધકો પણ અનેક શોધ કરી રહ્યાં છે, જે કોરોના વાયરસને ફેલાતો અટકાવવા મદદરૂપ થઇ રહી છે. આ યુનિવર્સિટીના સંશોધકોએ એક ડ્રોન વિકસાવ્યું છે જેનો અનેકરીતે ઉપયોગ થઇ શકે તેમ છે. આ યુનિવર્સિટીના કુલપતિએ સંશોધકોને અભિનંદન પણ આપ્યા છે.
જીટીયુ ઇનોવેશન કાઉન્સિલના રિસર્ચર્સ તથા ડ્રોન લેબના ફાઉન્ડર નિખિલ મેઠીયા અને મેમ્બર કેવલ કેલાવાલા દ્વારા અતિ આધુનિક ડ્રોનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ડ્રોનના માધ્યમથી દવાનો છંટકાવ, માહિતી પ્રસારણ, સોશિયલ મોનીટરીંગ, મેડિકલ ડીલીવરી જેવી સેવાઓ પૂરી પાડવામાં આવશે. ગુજરાત ડ્રોન સ્ટાર્ટઅપ અંતર્ગત ગુજરાત ડ્રોન સ્ક્વોર્ડની રચના કરીને સમગ્ર રાજ્યમાંથી 300 થી વધુ ડ્રોન પાઈલોટના ડેટા એકત્રિત કરવામાં આવ્યા હતા. જેમાંથી 32 ડ્રોન પાઈલોટ હાલ ગુજરાતના જુદા-જુદા શહેરોમાં તંત્રની સેવામાં કાર્યરત છે.
આ ડ્રોનની મદદથી 10 લિટર જેટલી દવાનો છંટકાવ હવામાં કરી શકાય છે. તેમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ કરીને માહિતી પ્રસારણની સેવા પણ મેળવી શકાય છે. કટોકટીની પરિસ્થિતિમાં દવાઓની આપ-લે કરવા માટે પણ આ ડ્રોન દ્વારા 500 ગ્રામ થી એક કિલોગ્રામ સુધી દવાઓનું વહન કરીને જરૂરિયાત મંદોને પહોંચાડી શકાય છે.
ભીડભાડવાળા વિસ્તારોમાં મોનીટરીંગ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ ના જાળવતા લોકોની માહિતી તંત્ર સુધી પહોંચાડી શકાય છે. થર્મલ ટેમ્પરેચર દ્વારા ભીડભાડવાળા વિસ્તારમાં જે-તે વ્યક્તિનું તાપમાન કેટલું છે, તે પણ માપી શકાય છે. એક સાથે 10 જિલ્લામાં લાઈવ મોનીટરીંગ કરી શકાશે. હાલમાં સુરત રાજકોટ મોરબી અને અમદાવાદ સહિતના શહેરોમાં 32 ડ્રોન પાયલોટ કાર્યરત છે. આગામી દિવસોમાં તેમાં વધારો કરીને જીટીયુ દ્વારા તમામ પ્રકારની સેવાઓ રાજ્ય સરકારના તંત્રને ઉપલબ્ધ કરાવવામાં આવશે.