અધિકમાસને હિંદુ ધર્મમાં ખૂબ જ ખાસ માનવામાં આવે છે. ભારતમાં ખગોળીય ગણતરી પ્રમાણે દર ત્રણ વર્ષે એક અધિકમાસ હોય છે. તેને અધિમાસ, મળમાસ અથવા પુરુષોત્તમમાસ પણ કહેવામાં આવે છે. હિંદુ કેલેન્ડરમાં દર મહિનાના સ્વામી દેવતા જણાવવામાં આવ્યાં છે. પરંતુ આ તેરમા મહિનાના સ્વામી કોઇ નથી. એટલે આ મહિનામાં દરેક પ્રકારના માંગલિક કામ કરવાની મનાઇ છે. દેવી ભાગવત પુરાણ પ્રમાણે આ મહિનામાં તીર્થ સ્નાન ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે. સાથે જ, મળમાસમાં કરેલાં બધા શુભ કામનું બેગણું ફળ મળે છે. આ મહિનામાં ભાગવત કથા સાંભળવાનું ખૂબ જ મહત્ત્વ છે. આ મહિનામાં સૂર્યોદય પહેલાં જાગવું જોઇએ. યોગ અને ધ્યાન કરવું જોઇએ. સ્નાન-દાન, વ્રત અને પૂજાપાઠ કરવા જોઇએ. આવું કરવાથી પાપ દૂર થાય છે અને કરેલાં પુણ્યોનું પણ અનેકગણું ફળ મળે છે. અધિકમાસ દરમિયાન જો કોઇ ખાસ કારણોથી વ્રત કે ઉપવાસ કરી શકો નહીં અને મંદિર જઇ શકો નહીં તો ઘરે જ ભગવાન વિષ્ણુ અને શ્રીકૃષ્ણની માનસ પૂજા કરી શકો છો. વિષ્ણુધર્મોત્તર પુરાણ પ્રમાણે ભગવાનનું ધ્યાન કરીને મનમાં જ પૂજા કરી શકાય છે. તેને માનસિક પૂજા કહેવામાં આવે છે. આવું કરવાથી પણ તેટલું જ ફળ મળે છે જેટલું અન્ય પ્રકારની પૂજા કરવાથી મળે છે.
માનસ પૂજાના મંત્ર અને તેમનો અર્થઃ-
માનસ પૂજા કરતી સમયે ભગવાનનું ધ્યાન કરવું જોઇએ અને મનમાં જ મંત્ર બોલીને તેમના અર્થ પ્રમાણે ભાવનાથી ભગવાનની પૂજા કરવી જોઇએ
ऊं लं पृथिव्यात्मकं गन्धं परिकल्पयामि। હે પ્રભુ! હું તમને પૃથ્વી રૂપ ગંધ એટલે ચંદન અર્પણ કરું છું.
ऊं हं आकाशात्मकं पुष्पं परिकल्पयामि। હે પ્રભુ! હું તમને આકાશ સ્વરૂપ ફૂલ અર્પણ કરું છું
ऊं यं वाय्वात्मकं धूपं परिकल्पयामि। હે પ્રભુ! હું તમને વાયુદેવમાં ધૂપ અર્પણ કરું છું.
ऊं रं वह्नयान्तकं दीपं दर्शयामि। હે પ્રભુ! હું તમને અગ્નિદેવ તરીકે દીવો અર્પણ કરું છું.
ऊं वं अमृतात्मकं नैवेद्यं निवेदयामि। હે પ્રભુ! હું તમને અમૃત સમાન નૈવેદ્ય અર્પણ કરું છું.
ऊं सौं सर्वात्मकं सर्वोपचारं समर्पयामि। હે પ્રભુ! હું તમને સર્વાત્મા રૂપમાં સંસારના બધા ઉપચારોને તમારા ચરણોમાં અર્પણ કરું છું.